Western Times News

Gujarati News

ભાજપે વધારે એક બેઠક જીતી, સંખ્યાબળ ૧૬૦ થયું

અમદાવાદ: ૨૧મી ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં યોજાયેલી છ મનપાની ચૂંટણી બાદ ૨૩મી ફેબ્રુઆરીએ મતગણતરી યોજવામાં આવી હતી. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીએ ૧૫૯ બેઠક જીતી હતી. જાેકે, એક બેઠક પર એક રાઉન્ડના મત ન ગણાયા હોવાની ફરિયાદ ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી પંચમાં કરવામાં આવી હતી. આ મામલે ચૂંટણી પંચ તરફથી હવે વધુ એક બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ કાૅંગ્રેસ માટે વધુ એક માઠા સમાચાર એ આવી રહ્યા છે કે લઘુમતિ કાઉન્સિલરો વિપક્ષ નેતાનું પદ માંગી રહ્યા છે. આવું ન કરવામાં આવે તો કેટલાક કાઉન્સિલરો પક્ષ છોડી શકે છે. મળતી માહિતી પ્રમાણે કુબેરનગરની એક બેઠક ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે.

ચૂંટણી પંચ તરફથી કુબેરનગરના ગીતાબા જાડેજાને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે જ ભાજપનું કુલ સંખ્યાબળ ૧૬૦ થયું છે. જ્યારે કાૅંગ્રેસની એક બેઠક ઘટી છે. કાૅંગ્રેસના વિજેતા જાહેર કરવામાં આવેલા ઉમેદવાર જગદીશ મોહનની હાર થઈ છે. મળતી માહિતી પ્રમાણે મતગણતરીના દિવસે નવમા રાઉન્ડ દરમિયાન ચૂક થઈ હતી. નવમા રાઉન્ડના મતોની ગણતરી કરવામાં આવી ન હતી. જે બાદમાં ભાજપના મહિલા ઉમેદવારની હાર બતાવવામાં આવી હતી. આ મામલે ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટણી પંચને રજુઆત કરવામાં આવી હતી.

નવમા રાઉન્ડની ગણતરી ધ્યાનમાં લેતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત થઈ છે. આ સાથે જ કુબેરનગરમાં કાૅંગ્રેસની પેનલ પણ તૂટી છે. અમદાવાદમાં મહાનગરપાલિકાની ચૂંટણી બાદ કાૅંગ્રેસ પાર્ટી માટે વધુ એક માઠા સમાચાર છે. કુબેરનગરની બેઠક ગુમાવ્યા બાદ

હવે લઘુમતિ કાઉન્સિલરો વિપક્ષ નેતાનું પદ માંગી રહ્યા છે. જાે હવે લઘુમતિ કાઉન્સિલરને વિપક્ષ નેતાનું પદ નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં પાંચથી સાત કાૅંગ્રેસી કાઉન્સિલર પક્ષ છોડી શકે છે. કાૅંગ્રેસના કાઉન્સિલરોએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો સંપર્ક પણ સાધ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે વિપક્ષ નેતા પદ માટે ૨૧ કાઉન્સિલરનું સંખ્યાબળ જરૂરી છે. જાે આ સંખ્યાબળ ન હોય તો વિપક્ષનું પદ ન મળી શકે.

એટલે આજના દિવસે કાૅંગ્રેસ માટે એક સાથે બે માઠા સમાચાર આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનની કુલ ૧૯૨ બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીએ ૧૬૦ બેઠક, કાૅંગ્રેસ પાર્ટીએ ૨૪ બેઠક, એઆઈએમઆઈએમ પાર્ટીએ ૭ બેઠક જીતી છે. એક બેઠક અપક્ષના ફાળે ગઈ છે. અમદાવાદમાં કાૅંગ્રેસની બેઠક ૨૪ થઈ ગઈ છે. આ કારણે જ હવે કોર્પોરશન ખાતે તેની ઓફિસ નાની કરવામાં આવશે. આ માટે તૈયાર પણ શરૂ કરી દેવામાં આવી છે. કાૅંગ્રેસની ઓફિસ નાની કરીને એઆઈએમઆઈએમના સાત કોર્પોરેટરો માટે નવી ઓફિસ બનાવવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક અપક્ષ ઉમેદવાર પણ વિજેતા બનતા તેમના બેસવાની પણ વ્યવસ્થા કરવામાં આવે તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.