ભાજપે સી.આર. પાટીલને અધ્યક્ષની જવાબદારી સોંપી બેલેન્સ જાળવવાનો પ્રયાસ કર્યો
(પ્રતિનિધિ) અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય નેતાગીરીએ ગુજરાત ભાજપના અધ્યક્ષપદે સુરતના સાંસદ અને દક્ષિણ ગુજરાતના રાજકારણમાં હંમેશા જેમનો દબદબો રહયો છે તેવા સી.આર. પાટિલને મૂકયા છે સી.આર. પાટિલે ગઈકાલે શપથ લીધા હતા હવે તેમનું મુખ્યધ્યાન આવનારી વિધાનસભાની ૮ બેઠકોની પેટા ચૂંટણી પર રહેશે.
જાેવાનું એ રહે છે કે નવા પ્રદેશ પ્રમુખ માળખાને ધરમૂળથી બદલે છે કે તેનુ વિસ્તરણ કરે છે. ભાજપની કેન્દ્રીય નેતાગીરી આ અંગે તેમને આજકાલમાં માર્ગદર્શન જરૂર આપશે. સી.આર. પાટિલને રાજકીય ક્ષેત્રે બહોળો અનુભવ છે અને તેનો લાભ પક્ષને આગામી પેટાચૂંટણીમાં જરૂર મળશે. આઠ વિધાનસભાની બેઠકોની પેટા ચૂંટણી સપ્ટેમ્બરની આસપાસ યોજાય તેવી શકયતાઓ છે. ભાજપની કેન્દ્રીય નેતાગીરીએ દક્ષિણ ગુજરાતમાંથી સી.આર.પાટિલને મૂકીને બેલેન્સ જાળવવાનો પ્રયાસ કર્યો હોય તેવુ જણાય છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સૌરાષ્ટ્રમાંથી આવે છે તો નાયબ મુખ્યમંત્રી ઉત્તર ગુજરાતમાંથી આવે છે.
જયારે અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી મધ્ય ગુજરાતમાંથી આવે છે હવે જયારે અધ્યક્ષ તરીકે જીતુ વાઘાણીની મુદ્દત પુરી થતા તેમના સ્થાને દક્ષિણ ગુજરાતના ભા.જ.પ.ના મોટા ગજાના નેતા સી.આર. પાટિલને ભા.જ.પ.ના પ્રદેશ અધ્યક્ષની જવાબદારી સોંપી છે. સી.આર.પાટિલની સમક્ષ વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી છે. કોંગ્રેસ છોડીને ભા.જ.પ.માં જાેડાયેલા પૂર્વ ધારાસભ્યોમાંથી કેટલાને ટીકીટ અપાય છે
તેને લઈને પણ આગામી દિવસોમાં મોટો નિર્ણય તેમણે કરવાનો છે. જાેકે ગુજરાતના બે દિગ્ગજ નેતાઓ કેન્દ્રમાં ટોચની જગ્યા ઉપર છે તેથી ગુજરાતના મામલે તેમનો વિચાર શું રહે છે તે પણ અગત્યનું પરિબળ છે આમ તો હાઈકમાન્ડ ફાઈનલ કરે તેને જ ટીકીટ અપાતી હોય છે.
હાઈકમાન્ડ તેના પોતાના સોર્સ મારફતે જે તે વિધાનસભા મત વિસ્તારની માહિતી મેળવતા હોય છે તેથી સમગ્ર પ્રક્રિયા લોકશાહી ઢબથી થશે. ત્યારપછી જ નિર્ણય લેવાશે. બીજી તરફ નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ માળખામાં કેટલુ પરિવર્તન લાવે છે તે જાેવાનું રહે છે સામાન્ય રીતે નવા નિયુક્ત થતા પ્રદેશ પ્રમુખો માળખામાં વધારે નહી તો આંશિક ફેરફાર કરતા હોય છે.
આ માળખામાં તેમના નજીકના અગર તો વિશ્વાસુ હોય તેમને સ્થાન મળતુ હોય છે નવા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આ સંદર્ભમાં હાઈકમાન્ડ સાથે જરૂર ચર્ચા કરશે તેમ મનાય છે ગુજરાતમાં કોરોના કાળમાં રાજય સરકાર અને પ્રદેશ સંગઠન વચ્ચે તાલમેલને લઈને હાઈકમાન્ડ તેમને દિશાસૂચન કરી શકે છે તેનો પણ ઈન્કાર થઈ શકે તેમ નથી.