ભાજપ અબજોપતિ મિત્રો માટે રેડ કાર્પેટ બિછાવે છેઃ પ્રિયંકા
નવી દિલ્હી, છેલ્લાં બે દિવસથી ઉત્તર ભારતના ખેડૂતો રસ્તા પર ઉતરીને દિલ્હી તરફ આગેકૂચ કરી રહ્યા છે. ત્યારે કોંગ્રેસના નેતાઓ તેમના સપોર્ટમા ઉતરી આવ્યા છે. એકબાજુ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂતો વિરુદ્ધ સરકારની કાર્યવાહીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અહંકાર ગણાવ્યો હતો, ત્યારે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે ભાજપ સરકાર અબજોપતિ મિત્રો માટે કાર્પેટ બિછાવે છે પરંતુ જો ખેડૂત દિલ્હી આવે છે તો તેમના રસ્તાઓ ખોદી કાઢવામાં આવી રહ્યા છે.
રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાંધતા એક ટ્વીટ કરી. તેમાં લખ્યું છે કે એક ખૂબ જ દુઃખદ ફોટો છે. અમારું સૂત્ર ‘જય જવાન જય કિસાન’ હતું, પરંતુ આજે વડાપ્રધાન મોદીના ઘમંડથી જવાન ખેડૂત એકબીજાની સામ સામે આવી ગયા છે. તે જ સમયે પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ભાજપ સરકારમાં દેશની સિસ્ટમ જુઓ.
ભાજપ સરકાર અબજોપતિ મિત્રો માટે રેડ કાર્પેટ બિછાવે છે પરંતુ જો ખેડૂત દિલ્હી આવે છે તો તેના રસ્તાઓ ખોદવામાં આવી રહ્યા છે. તેમણે દિલ્હીમાં ખેડૂતો વિરુદ્ધ કાયદો બનાવ્યો, પરંતુ જો સરકારને પોતાની રજુઆત કહેવા માટે ખેડૂત દિલ્હી આવ્યા તો તે ખોટું? કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ટિકરી અને સિંઘુ બોર્ડર પર પડાવ કર્યો છે. જો કે પંજાબથી દિલ્હી આવેલા ખેડૂતોને બુરાડીના નિરંકારી મેદાનમાં પ્રદર્શન કરવાની મંજૂરી આપવામાં આવી છે. જ્યાં તેમના રોકાણ અને અન્ય સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી ટિકરી અને સિંઘુ સરહદ પર હજુ પણ ખેડૂતનો જમાવડો છે. જોકે કેટલાક ખેડુતો રાતોરાત મેદાનમાં આવી ગયા છે.HS