ભાજપનું આજથી રાજ્યભરમાં ચૂંટણી પ્રચારનું બ્યૂગલ ફૂંકાયું
અમદાવાદથી પ્રચારનો પ્રારંભ કરવામાં આવ્યો, મંત્રીઓ, પ્રદેશ હોદ્દેદારોને પણ ચૂંટણી પ્રચારના મેદાનમાં ઊતારાશે
ગાંધીનગર, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ ૧૧ ફેબ્રુઆરી એટલે કે આવતીકાલથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા છે. મળતી માહિતી પ્રમાણે ગુરૂવારે મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી, પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સીધા ચૂંટણી પ્રચારમાં જાેડાશે.
મહાનગરપાલિકા માટેનો ચૂંટણી પ્રચારનો પ્રારંભ અમદાવાદથી થશે. એટલું જ નહીં, સરકારના મંત્રીઓ અને પ્રદેશ હોદ્દેદારો પણ પ્રચારના મેદાનમાં ઉતરશે. આ દરમિયાન તમામ ૬ મહાનગરપાલિકામાં ભાજપના ઉમેદવારો જનસંકલ્પ લેશે.
મીડિયા રિપોર્ટ મુજબ ભાજપના પ્રચાર અભિયાનની વિધિવત શરૂઆત થશે.
કર્ણાવતી મહાનગરથી પ્રદેશ પ્રમુખ શ્રી @CRPaatil, મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp, નાયબ મુખ્યમંત્રી શ્રી @Nitinbhai_Patel, પ્રદેશ અગ્રણીશ્રીઓ સિનિયર કાર્યકર્તાઓને અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રાજ્યના તમામ ઉમેદવારોને વર્ચ્યુઅલ માધ્યમથી સંકલ્પ કાર્યક્રમ. https://t.co/HNGVDMz3m4
— BJP Gujarat (@BJP4Gujarat) February 11, 2021
અમદાવાદમાં કાંકરિયા ખાતે યોજાનારા કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ સી આર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હાજર રહેશે. જેમાં તેઓ અમદાવાદના તમામ ૧૯૨ ઉમેદવારોને જનસંકલ્પ લેવડાવશે. ભાજપ પ્રમુખ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર મહાનગરપાલિકામાં એક સાથે તમામ ઉમેદવારોને જનસંકલ્પ લેવડાવશે.
મળતી માહિતી પ્રમાણે જે તે ઉમેદવારો માટે ભાજપ કમલમથી ચૂંટણી સાહિત્ય પણ રવાના થવાની શરૂઆત થઈ ચૂકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભાજપ દ્વારા મોટી સંખ્યામાં ચૂંટણી સાહિત્ય છાપવામા આવ્યું છે. ભાજપ દરેક ઉમેદવારને ચૂંટણી સાહિત્ય ભાજપ કાર્યાલયથી પૂરું પાડશે. જેના માટે ઉમેદવારે જરૂરિયાત પ્રમાણે ચૂંટણી સાહિત્ય મટિરીયલ નોંધાવું પડશે.
ભાજપના ગુરૂવારથી શરૂ થતાં ચૂંટણી પ્રચાર માટે સરકારના મંત્રીઓ, પ્રદેશ હોદ્દેદારોને જિલ્લા પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી છે. રાજ્યની ૬ મહાનગરપાલિકાઓ માટે ૨૧ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને ૨૩મી ફેબ્રુઆરીએ મતગણતરી કરવામાં આવશે. જ્યારે ૩૧ જિલ્લા પંચાયતો અને ૨૩૧ તાલુકા પંચાયતો તથા ૮૧ નગરપાલિકાઓ માટે ૨૮ ફેબ્રુઆરીએ મતદાન થશે જેની મતગણતરી બીજી માર્ચે કરવામાં આવશે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે પોતાનું સ્લોગન રજૂ કર્યું છે.