ભાજપ કાર્યકર્તાઓએ હોટલ અને વાહનોની તોડફોડ કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/08/Eco-car.jpg)
રાજકોટ, રાજકોટમાં ભાજપના કાર્યકરોએ શહેરના રાજશ્રી ટોકીઝ રોડ પરના પોશ વિસ્તારમાં હંગામો કરતા વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો ભાજપ કાર્યકરના પુત્રએ તેના મિત્રો અને પરિવારના સભ્યો સાથે તોફાનનો આશરો લેતા ઘણી દુકાનોના શટર તોડી નાખ્યા હતા. પોલીસે આરોપીઓ વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ભાજપના સહયોગી રણજીત ચાવડિયાનો પુત્ર હાર્દિક ચાવડિયા સાતથી આઠ વ્યક્તિઓ સાથે લાકડીઓ અને તલવારો સાથે રાજશ્રી ટોકીઝ રોડ પર આવ્યો હતો. તેઓ બીજેપીના અન્ય કાર્યકર કનુ ગમારા અને તેના ભાઈ ભરતની માલિકીની ચા અને પાનની દુકાનમાં ઘૂસી ગયા હતા. ત્યારબાદ આરોપીઓએ ફર્નિચરની તોડફોડ કરવાનું શરૂ કર્યું અને કર્મચારીઓ સાથે પણ મારપીટ કરી હતી.
જે બાદ ગુંડાઓએ ગમારાની માલિકીની કાર અને નજીકમાં પાર્ક કરાયેલા અન્ય ફોર વ્હીલરને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારબાદ તેઓ આ વિસ્તારમાં ટુ વ્હીલરની તોડફોડ કરવા ગયા હતા. પોલીસે જણાવ્યું હતું કે, ચાવડિયા અને ગમારા પરિવારો વચ્ચે અણબનાવ ચાલી રહ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીરો વિવિધ વિસ્તારોમાં ચોંટાડવાને લઈને ૨૦૧૪થી એકબીજાની વિરુદ્ધ છે.
રવિવારની રાત્રે ચાવડિયા અને ગમારા પરિવારના છોકરાઓ પ્રહલાદ પ્લોટ મુખ્ય માર્ગ પર એક દુકાન પાસે સામસામે આવી ગયા હતા અને એકબીજાને અપશબ્દો બોલ્યા હતા, જેના કારણે સોમવારના રોજ તોફાનો થયો હતો. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું કે, આ ઘટનામાં સામેલ લોકો પાર્ટીમાં કોઈ હોદ્દા ધરાવતા ન હતા અને તેઓ માત્ર ચૂંટણી દરમિયાન ભાજપ માટે કામ કરતા હતા.HS