ભાજપ-કોંગ્રેસના ઢગલાબંધ નેતાઓ કોરોનામાં સપડાયા
ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાની રિએન્ટ્રી માટે ચૂંટણી જવાબદાર છે તે સત્ય ભલે ગુજરાત સરકાર સ્વીકારે નહિ, પણ ચૂંટણી બાદ કોરોનાના કેસોનો સતત વધી રહેલો આંકડો તેનો બોલતો પુરાવો છે. સાથે જ એક પછી એક ધારાસભ્યો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. જે સાબિતી આપે છે. ત્યારે ગાંધીનગરમાં નેતાઓમાં કોરોના સંક્રમણ વધ્યું છે.
એક પછી એક ધારાસભ્યો કોરોના સંક્રમિત થઈ રહ્યાં છે. કુલ ૯ ધારાસભ્યો કોરોનાગ્રસ્ત થતાં ફફડાટ ફેલાયો છે. ભાજપના ૬ ધારાસભ્યો અને કોંગ્રેસના ૩ ધારાસભ્યોને કોરોના થયો છે. તો મંગળવારે એક જ દિવસમાં પાંચ ધારાસભ્યોને કોરોના થયો છે. એક જ દિવસે ભાજપના ધારાસભ્યો વિજય પટેલ, ભીખા બારૈયા તથા કોંગ્રેસના ધારાસભ્યો પૂંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકી કોરોના પોઝિટિવ મળી આવતા ખળભળાટ મચ્યો હતો.
ધારાસભ્યોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ સાથી ધારાસભ્યોને પણ કોરોના ટેસ્ટ કરાવવા માટે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે. તેમજ ગૃહમાં કોરોનાને લઈ મુલાકાતીઓને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.