ભાજપ દ્વારા યુવા નેતાગીરીમાં ધરખમ ફેરફાર કરવાના સંકેત
ગાંધીનગર, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે પદભાર સંભાળ્યા બાદ સી.આર. પાટીલ મેરેથોન બેઠકો યોજી રહ્યા છે. ગયા અઠવાડિયે કમલમ ખાતે યુવા મોરચાના પદાધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. આમ તો આ મુલાકાત શુભેચ્છા મુલાકાત હોવાનું કહેવામાં આવી રહ્યું હતું પરંતુ આગામી સમયમાં યુવા મોરચામાં મોટા ફેરફાર થાવની શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
સી.આર.પાટીલે ચાર્જ સાંભળ્યા બાદ સીધા શબ્દોમાં કહી દીધું હતું કે કામ કરો અને સ્થાન મેળવો. આવા નિવેદન બાદ યુવા મોરચો હોય, મહિલા મોરચો હોય કે પ્રદેશના મુખ્ય પદાધિકારીઓ હોય. આ પૈકીના ઘણા નેતાના પેટમાં ચૂક ઉપડી છે. તેમને હવે પોતાની ખુરશી જોખમમાં હોવાનું લાગી રહ્યું છે. હાર્દિક પટેલે આંદોલન ચાલુ કર્યું હતું તે સમયે પ્રદેશ ભાજપે યુવા પાટીદાર ચહેરા તરીકે ઋત્વીઝ પટેલને મેદાને ઉતાર્યા હતા. તેઓ પ્રમુખ બન્યા બાદ કોઈ નક્કર કામગીરી યુવા મોરચાની રહી નથી. રાજ્યમાં બાઈક રેલી કરવી કે ત્રિરંગા રેલી યોજવા સિવાય તેમના નામે કોઈ નક્કર કામગીરી ચોપડા પર ચઢી નથી.
આ સિવાય પણ ઘણા એવા નેતા છે જેઓ હાર્દિક પટેલને કાૅંગ્રેસે કાર્યકારી અધ્યક્ષ બનાવતા હવે સામાજિક રીતે પોતાની ખુરશી સુરક્ષિત હોવાનું માની રહ્યા હતા. હવે પ્રદેશ પ્રમુખ પદ તરીકે સી.આર. પાટીલની નિમણૂક થતા તમામ સમીકરણો કોરાણે મૂકાઈ ગયા છે. આ જોતા યુવા મોરચાના ઘણા નેતાને પોતાની સીટ જોખમાવવાની ભીતિ રહેલી છે.
આ સિવાય જો વાત કરવામાં આવે તો યુવા મોરચાના ઘણા એવા નેતાઓ છે જેણે રોડ પર મારામારી કરી હતી તો ઘણા એવા પણ કિસ્સા બન્યા હતા જેના કારણે પાર્ટી બદનામ થઇ હતી. એટલે કે એક તરફ કોઈ ચોક્કસ કામગીરી નહીં તો બીજી તરફ યુવા કાર્યકર્તાઓની કરતૂતોના કારણે પાર્ટીએ બદનામી પણ વહોરી હતી. આવા સંજોગોમાં યુવા મોરચામાં ધરમૂળથી ફેરફાર થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.