ભાજપ દ્વારા રાષ્ટ્રીય એકતા અભિયાનની શરૂઆત
અમદાવાદ : કાશ્મીરમાંથી કલમ ૩૭૦ અને ૩૫-એને દુર કરવામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં જનજાગૃતિના ભાગરૂપે કેન્દ્રિય ભાજપ દ્વારા રાષ્ટ્રીય એકતા અભિયાન-એક દેશ એક સંવિધાનનો ગુજરાતમાં પ્રારંભ થયો છે. આ પ્રસંગે ભાજપના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ભાજપા પ્રદેશ મંત્રી તથા સંપર્ક અભિયાનના પ્રદેશ સહસંયોજક અમિત ઠાકરે ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ કોબા, ગાંધીનગર ખાતે ઇલેકટ્રોનિક મિડીયાને સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જોડીએ દ્રઢ રાજકીય ઇચ્છાશક્તિ દાખવી દેશના સાર્વભોમત્વ માટે જોખમી અને કાશમીરના વિકાસમાં અવરોધરૂપ કલમ-૩૭૦ દૂર કરવાનો યશસ્વી અને ઐતિહાસિક નિર્ણય લઇને કાશ્મીરના વિકાસના દ્વાર ખોલ્યા છે.
જમ્મુ અને કાશ્મીરમાંથી અનુચ્છેદ ૩૭૦ હટાવવાના કેન્દ્ર સરકારે કરેલા નિર્ણય વિશે કેટલીક વ્યક્તિઓ અને રાજકીય પક્ષો પોતાના અંગત સ્વાર્થ અને હિતને સાધવા માટે સમગ્ર દેશ અને દુનિયામાં જુઠ્ઠાણા અને ભ્રામક પ્રચાર ચલાવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશમાં જનજાગૃતિ લાવવા માટે કેન્દ્રીય ભાજપા દ્વારા તારીખ ૧ સપ્ટેમ્બર થી ૩૦ સપ્ટેમ્બર સુધી શરૂ કરવામાં આવેલ રાષ્ટ્રીય એકતા અભિયાન – એક દેશ એક સંવિધાન’’નો ગુજરાતમાં ભવ્યાતિભવ્ય પ્રારંભ કરવામાં આવશે.