ભાજપ નેતાઓના ભડકાઉ ભાષણો પર રિપોર્ટ દાખલ કરવા ક્રાઈમ બ્રાન્ચને કોર્ટનો આદેશ
નવી દિલ્હી, દિલ્હીની એક અદાલતે મંગળવારે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા) નેતા વૃંદા કરતા દ્વારા ભાજપ સાંસદ અનુરાગ ઠાકુર અને પ્રવેશ વર્મા વિરૂદ્ધ ભડકાઉ ભાષણો આપવા મામલે દાખલ કરેલી એક ફરિયાદ પર ક્રાઈમ બ્રાન્ચને 15 દિવસની અંદર ATR એટલે કે કાર્યવાહી રિપોર્ટ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ વિશાલ પાહુજાએ રિપોર્ટ દાખલ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા માંગવામાં આવેલા 8 સપ્તાહના સમયને ફગાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, મામલો સંવેદનશીલ છે. હવે આ મામલે 26 ફેબ્રુઆરીએ સવારે 10 વાગ્યે સુનાવણી હાથ ધરાશે.
મેજિસ્ટ્રેટે ક્રાઈમ બ્રાન્ચને આદેશ આપતા જણાવ્યું કે, જો કોઈ સુનિયોજિત ગુનો નથી કર્યો તો, એક વિસ્તૃત રિપોર્ટ દાખલ કરો. કરાતે ધાર્મિક ભાવનાઓ ભડકાવવા અને વિશ્વાસ તોડવા અને ધમકી આપવા માટે ભાજપ નેતાઓ વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. આ મામલાને કલમ 156 (3) અંતર્ગત દાખલ કરવામાં આવ્યો હતો. જે મેજિસ્ટ્રેટને કોઈ પણ મામલે તપાસ કરવા માટે પોલીસને આદેશ આપવાની શક્તિ પૂરી પાડે છે.
અનુરાગ ઠાકુરે દિલ્હીની રિઠાલા વિસ્તારમાં રેલીને સંબોધતા ભડકાઉ ભાષણ આપ્યું હતું. જેમાં તેમણે દેશના ગદ્દારોને ગોળી મારોના નારા લગાવડાવ્યા હતા. જ્યારે વર્માંએ કહ્યું હતું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં 500થી વધુ સરકારી સંપત્તિઓ પર મસ્જિદો અને કબ્રસ્તાનોનું નિર્માણ કરવામાં આવ્યું છે. ઠાકુર અને વર્મા પર ચૂંટણી પંચે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે ક્રમશ: 72 અને 96 કલાકનો પ્રતિબંધ મૂક્યો હતો.