ભાજપ નેતાની પુત્રી પર ગેંગરેપ, આંખો કાઢી લીધી
૧૬ વર્ષીય સગીરાએ આત્મહત્યા કરી હોવાનું દર્શાવવા નરાધમોએ લાશ ઝાડ પર લટકાવી દીધી, એકની ધરપકડ
પલામૂ: ઝારખંડના પલામૂ જિલ્લામાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. કેટલાક નરાધમોએ હેવાનિયતની તમામ હદો પાર કરી નાંખી છે. ૧૬ વર્ષની કિશોરી સાથે પહેલા ગેંગરેપ કર્યો એ બાદ તેની ર્નિમમ હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી દીધી. મીડિયા રિપોર્ટ મુજબ પીડિતા પલામૂ જિલ્લાના સ્થાનીક ભાજપ નેતાની દીકરી હતી. હેવાનોએ પહેલા ગેંગરેપ કર્યો. પછી તેની આંખ કાઢી નાંખી અને આખરે તેને સુસાઈડ બતાવવા માટે ઝાડ પર લટકાવી દીધી. આ મામલામાં હાલ પોલીસે પ્રદીપ કુમાર સિંહ નામના આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના ૭ જૂનની ગણાવવામાં આવી રહી છે.
જ્યારે પીડિતા સવારે ૧૦ વાગ્યે ઘરની બહાર નીકળી હતી. જે પાછી ન આવતા પરિવારે સોમવારે તેની શોધ શરુ કરી. પણ તે ન મળતા પરિવારે તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પીડિતાને શોધવાના પ્રયાસ શરુ કર્યા હતા. પરંતુ તેની લાશ લાલીમાટી જંગલના ઝાડ પર લટકતી મળી. આ વખતે મૃતક દીકરીના પિતા અને ભાજપના નેતાએ કહ્યુ હત્યારાઓએ મોટી દીકરીની હત્યા કરી દીધી છે. તેમને ૪ દીકરી અને ૧ દીકરો છે. પોલીસને ઘટના સ્થળ પર મોબાઈલ ફોન મળ્યો છે.
જેના આધાર પર જ આરોપી પ્રદીપની ધરપકડ થઈ છે. પાંકી સ્ટેશનની પોલીસના જણાવ્યાનુસાર પીડિતાના પરિવારજનોએ ગુમ થયાનો રિપોર્ટ નોંધાવ્યો હતો. પોલીસે શોધખોળ હાથ ધરી હતી. જંગલમાંથી તેની લાશ મળી આવી છે. પોલીસે કહ્યું કે પ્રથમ દ્રષ્ટિએ તેની હત્યા કર્યા બાદ તેને આત્મહત્યામાં ખપાવવા માટે ઝાડ પર ફાંસી ખાધેલી હાલતમાં લટકાવી દેવામાં આવી છે. પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ છે. મૃતકના પિતાનું કહેવું છે કે તેમની દીકરી સાથે સામુહિત બળાત્કાર થયો છે અને પછી તેની આંખો ફોડી નાંખવામાં આવી છે. પોલીસ તપાસ કરી રહી છે.