ભાજપ નેપાળ-શ્રીલંકામાં સરકાર બનાવવા માગે છે : બિપ્લબ
અગરતાલા: પોતાના ચર્ચાસ્પદ નિવેદનો માટે જાણીતા ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેવ એકવાર ફરીથી ચર્ચામાં બિપ્લબે દાવો કર્યો છે કે ભાજપ નેપાળ અને શ્રીલંકામાં સરકાર બનાવવા માંગે છે. બિપ્લબના આ નિવેદનથી નવો વિવાદ ખડો થયો છે. બિપ્લબકુમારે દાવો કર્યો કે અમિત શાહ જ્યારે ભાજપ અધ્યક્ષ હતા,
ત્યારે તેમણે અમને જણાવ્યું હતું કે પાર્ટી પોતાનો દાયરો વધારવા માંગે છે અને નેપાળ તથા શ્રીલંકામાં શાસન કરવા માટે યોજના બનાવી રહી છે. બિપ્લબે દાવો કર્યો કે અમિત શાહે રાજ્ય અતિથિ ગૃહમાં અનેક કાર્યકરો સાથે બેઠકમાં આ વાત કરી હતી. સામાન્ય બજેટના વખાણ કરતા બિપ્લબે કહ્યું કે આ આર્ત્મનિભર સાઉથ એશિયા બનવા તરફનું પગલું છે.
ભારતની નીતિ અને એક્શન બાંગ્લાદેશ, ભૂટાન અને નેપાળને આર્ત્મનિભર બનાવવામાં સક્ષમ છે., વિપક્ષી દળ સીપીએમ અને કોંગ્રેસે બિપ્લબ દેવના આ નિવેદનને અલોકતાંત્રિક ગણાવ્યું અને તરત કાર્યવાહી કરવાની માગણી કરી છે. વિપક્ષ કોંગ્રેસ અને સીપીએમએ કહ્યું કે બિપ્લબનું આ નિવેદન નેપાળ અને શ્રીલંકા જેવા સાર્વભૌમત્વ ધરાવતા દેશો વિરુદ્ધ એકદમ અલોકતાંત્રિક નિવેદન છે. તેમના નિવેદનની તપાસ થવી જાેઈએ જેમાં તેમણે અમિત શાહની આ દેશોની સત્તા મેળવવાની યોજનાનો દાવો કર્યો છે.