Western Times News

Gujarati News

ભાજપ-શિવસેના વચ્ચેના મતભેદોનો અંત

મુંબઈ : મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને જારી મડાગાંઠનો ઉકેલ લગભગ આવી ગયો છે. ભાજપ અને શિવસેનાના સિનિયર નેતાઓની આજે બેઠક યોજાઈ હતી જેમાં પારસ્પરિક મતભેદોને દૂર કરી લેવામાં આવ્યા હતા. આ બેઠક બાદ ભાજપના નેતા સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે, રાજ્યમાં ૧૦૦ ટકા ભાજપ અને શિવસેના ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે.

ભાજપ પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ આવતીકાલે ગુરુવારના દિવસે રાજ્યપાલને મળશે. બેઠકની પૂર્ણાહૂતિ બાદ મુનગંટીવારે કહ્યું હતુંકે, મહારાષ્ટ્રની પ્રજાએ ગઠબંધનને જનાદેશ આપી દીધો છે. ભાજપ-શિવસેના-આરપીઆઈ તથા સાથી પક્ષોના નામ ઉપર જ મત માંગવામાં આવ્યા હતા. મહાગઠબંધન માટે જ પ્રજાએ મત આપીને આશીર્વાદ આપ્યા છે. સરકાર બનશે તો ગઠબંધનની જ સરકાર બનશે.

મહારાષ્ટ્ર ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલ આવતીકાલે સવારે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળશે. ચૂંટણી પરિણામ આવ્યા બાદથી જ બંને પાર્ટીઓ વચ્ચે મુખ્યમંત્રી પદને લઇને ખેંચતાણ ચાલી રહી હતી. મુખ્યમંત્રી ફડનવીસના નેતૃત્વમાં બોલાવવામાં આવેલી આ બેઠકમાં શિવસેનાના વિધાનસભા પક્ષના નેતા એકનાથ શિંદે તથા વરિષ્ઠ નેતા રામદાસ કદમ ઉપસ્થિત  રહ્યા હતા. શિવસેનાના કુલ છ મંત્રી આમા ઉપસ્થિત રહ્યા હતા.

સપ્તાહના અંત સુધીમાં રાજ્ય સરકારની રચના કરી દેવામાં આવશે. બીજી બાજુ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવારે ફરી એકવાર સરકાર રચનારની શક્યતાને નકારી કાઢી છે. પવારે પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, અમને સરકાર બનાવવાનો કોઇ પ્રસ્તાવ મળ્યો નથી. તેઓ મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા નથી.

શિવસેના સાથે મળીને સરકાર બનાવવાનો કોઇ પ્રશ્ન ઉપસ્થિત  થતો નથી. ભાજપ અને શિવસેના વચ્ચે ૨૫ વર્ષથી ગઠબંધન છે. તેમને સરકાર બનાવી જાઇએ. મહારાષ્ટ્રની પ્રજાએ અમને જે આદેશ આપ્યા છે તેના આધાર પર જ કોંગ્રેસ, એનસીપી વિપક્ષમાં બેસશે. સરકાર બનાવવાને લઇને જે પણ મડાગાંઠ છે તેને દૂર કરી લેવી જાઇએ. ભાજપને જ સરકાર બનાવવી જાઇએ.

શરદ પવારની આ પત્રકાર પરિષદ પહેલા શિવસેનાના વરિષ્ઠ નેતા સંજય રાવત તેમને મળવા માટે પહોંચ્યા હતા. આ મુલાકાત બાદ જ શિવસેના અને ભાજપના નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. બેઠક છતાં કોઇ ઉકેલ આવી શક્યા ન હતા.

કારણ કે, બંને પાર્ટી મુખ્યમંત્રીના પદને લઇને સમજૂતિ કરવા માટે તૈયાર નથી. ૨૪મી ઓક્ટોબરના દિવસે રાજ્ય વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ મડાગાંઠ ઉભી થઇ હતી. ભાજપ અને શિવસેના ગઠબંધનને ૧૪૫ના જાદુઈ આંકડા કરતા ૧૬૧ સીટો મળી હતી પરંતુ બંને પક્ષો વચ્ચે મતભેદોને લઇને સરકાર રચાઈ શકી નથી. ચૂંટણીમા ભારતીય જનતા પાર્ટીએ ૧૦૫ સીટો જીતી હતી

જ્યારે શિવસેનાએ ૫૬ સીટો અને એનસીપીને ૫૪ સીટો મળી છે. કોંગ્રેસને ૪૪ સીટો મળી છે. ભાજપ અને શિવસેના પોતપોતાના વલણ પર મક્કમ રહ્યા છે. દરમિયાન દેવેન્દ્ર ફડનવીસ સાથે શિવસેનાના દિગ્ગજ નેતાઓની બેઠકમાં તમામ પાસાઓ ઉપર ચર્ચા થઇ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.