ભાજપ સંગઠનમાં કામ કરીશ: રૂપાણી
ગાંધીનગર, ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર એ છે કે વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પરથી રાજીનામું આપી દીધું છે. કેટલાય સમયથી રૂપાણીના રાજીનામાની વાત વહેતી થઈ હતી. ભાજપ સંગઠન અને સરકાર સતત આ વાતને પાયા વિહોણી કહી રહ્યા હતા.
વિજય રૂપાણીના ૫ વર્ષનો ગુજરાતનો કાર્યકાળ હમણાં જ પૂરો થયો છે અને ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપએ મોટો દાવ ખેલ્યો છે. રાજીનામુ આપતી વખતે સીએમ રૂપાણીએ એ વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે તે આવનાર સમયમાં ભાજપ માટે શું કરશે તેમની ભૂમિકા શું રહેશે.
વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદથી રાજીનામું આપતી વખતે કહ્યું હતું કે તે આગળના સમયમાં પાર્ટીમાં સંગઠનમાં કામ કરાવાની ઈચ્છા ધરાવે છે.
નવી ઉર્જા સાથે ભાજપના સંગઠનમાં વધુ મજબૂત કરવાની હામ સાથે તેમણે ઉલ્લેખ કર્યો હતો કે પાર્ટી દ્વારા જ્યારે અને જેવી જવાબદારી મળશે તેની સપૂર્ણ દાયિત્વ સાથે નિષ્ઠાથી આગળ કામ કરશે. તેમને પીએમ મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષના નેજા હેઠળ માર્ગદર્શનમાં કામ કરવાની વાત કહી હતી.
ત્યારે ટુંક સમયમાં વિજય રૂપાણીને ભાજપ સંગઠનમાં મહત્વની જવાબદારી મળવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. વિજય રૂપાણી પહેલાથી જ ભાજપ સંગઠનમાં કામ કરતાં આવ્યા છે ત્યારે હવે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામાં બાદ આગળ પણ ભાજપ વધુ મહત્વની જવાબદારી આપી રાષ્ટ્રીય લેવલે તેમના અનુભવનો ઉપયોગ કરી શકે છે.
વિજય રૂપાણી રાજીનામાં બાદ કહ્યું હતું કે ભાજપમાં વિકાસ જ મુખ્ય ચહેરો છે અને છેલ્લા ૨૭ વર્ષથી ગુજરાતમાં વિકાસનાં કામ કરવામાં જ આવી રહ્યા છે. તેમણે કહ્યું હું એક કાર્યકર્તા છું અને સંગઠન જ મારા માટે સર્વસ્વ છે અને આગામી મુખ્યમંત્રી કોણ હશે તે બધુ જ પાર્ટી નક્કી કરશે.HS