ભાજપ સામાન્ય કાર્યકર્તાને તક આપે છે : વિજય રૂપાણી
અમદાવાદ: સુરતના સી.આર. પાટીલ આજે ગુજરાત ભાજપના ૧૩મા પ્રદેશ અધ્યક્ષ બન્યા છે. કમલમ ખાતે વિધિવત રીતે તેઓને ગુજરાત ભાજપનો કાર્યભાળ સંભાળ્યો હતો. ત્યારે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાર્યકરોને સંબોધન કર્યું હતું. તેઓએ કહ્યું હતું કે, ભાજપમાં અધ્યક્ષ પદ મહત્વનું છે. વિચારધારાનો સંઘર્ષ હમેંશા ગુજરાત ભાજપે કર્યો છે અને દેશને નવી દિશા આપી છે. નવનિર્માણના સમયથી પીએમ મોદી ગુડ ગવર્ન્સની દિશા આપી રહ્યા છે.
રાષ્ટ્રીય નેતૃત્વએ સી.આર. પાટીલને જવાબદારી આપી છે. અનેક પડકારો આપણે ઝીલવાના છે. પેટાચૂંટણી જિલ્લા પંચાયત તેમજ વિધાનસભાની પેટાચૂંટણીઓના પડકાર ઝીલવાના છે. એમાં પાછી પાની કરવાની નથી. દેશભરમાં ટુકડા ગેંગ છે. જે ભાજપની વિચારધારા કમિટમેન્ટ અને સપના સાકાર થઈ રહ્યા છે, આપણે આ લડાઈ લડવાની છે. કાર્યકર્તાઓને પ્રેરણા મળી રહે. પાર્ટીમાં વિશ્વાસ રહે. વિચારધારાની લાગણીઓ વધુ ધારદાર બને એ સંગઠનની જવાબદારી છે.
આજે અનેક રાજ્યોમાં આપણી સરકાર છે. ગુજરાતમાં તાલુકા, જિલ્લા પંચાયત, નગર પાલિકામાં આપણે સત્તા પર છીએ. ગુજરાત સંગઠન, વિકાસ તમામ સ્તરે નંબર વન છે. કોંગ્રેસ હારી ગઈ છે અને આપણે સતત આગળ વધીશું. તો વધુમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, સરકારો જાય એનું દુઃખ નથી હોતું. પણ પાર્ટી ડૂબે એનું દુઃખ હોય છે. કોંગ્રેસનું સંગઠન નહોતું એટલે પાર્ટી ડૂબી. વંશ વાદ અને પરિવારવાદથી કોંગ્રેસ ડૂબી. ભાજપ સામાન્ય કાર્યકર્તાને તક આપે છે અને કાર્યકરોને જવાબદારી મળશે. સત્તાની ઉઠાપઠક અને લડાઈઓ ચાલશે. તો સી.આર પાટીલે જણાવ્યું કે, હું ૧૫ વર્ષ પોલીસમાં રહ્યો છું એટલે શિસ્ત પહેલેથી રહી છે. સંઘમાં એ વાત શીખ્યા કે તમે સક્ષમ છો એટલે તમને જવાબદારી મળે એવું નથી હોતું.
તમને જવાબદારી મળે એ પૂરી કરવા સક્ષમ બનવાનું હોય છે. એટલા માટે આપણે ત્યાં કોઈ પદ માટે લાઈનો લાગતી નથી. સૌથી મોટી મુશ્કેલી કોરોનાની બીમારી આવી. પીએમ મોદીએ વહેલું લોકડાઉન કર્યું એટલે નુકસાન ઓછું થયું. નહીં તો ગલી ગલીમાં લાશો પડી હોત. આપણે ત્યાં ભલે લોકો વિરોધ કરે, પણ પાકિસ્તાની મીડિયા મોદી સરકારના પગલાંઓના વખાણ કરે છે. ગુજરાતમાં ભાજપની સરકાર એક મોડલ છે. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગુજરાત મોડલ એ કેન્દ્રમાં બે વાર સત્તા અપાવી. ગુજરાત સંગઠન પર તમામ રાજ્ય સંગઠનોની નજર હોય છે. બિહાર, મધ્યપ્રદેશમાં પણ મેં કામ કર્યું છે. ગુજરાતનું સંગઠન મોડલ સમગ્ર દેશમાં વધુ છવાય તે પ્રાથમિકતા રહેશે.
તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી બકવાસ નિવેદનો કરે છે એવું લાગે પણ એની લોકો પર નકારાત્મક અસર થાય છે. શાહીનબાગના કારણે લોકો પરેશાન થયા એટલે એમને થયું સરકાર કંઈ કરતી નથી. આવી બાબતોનું ધ્યાન રાખવાનું છે. ૧૯૭ મુદ્દાઓ છે એનું પાલન કરીશું તો સરકાર ક્યારેય નહીં ઉથલે. પીએમ મોદીની ૪૦૦થી વધુ લોક કલ્યાણ કારી યોજનાઓ છે. ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો કાર્યકાળ પૂર્ણ થતાં આજે ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે નવસારીના સી.આર. પાટીલને ભાજપ પ્રદેશ અધ્યક્ષનો ચાર્જ સોંપાયો હતો.
આ પહેલાં ગાંધીનગર સર્કિટ હાઉસ અને ત્યારબાદ કમલમ ખાતે ખુલ્લેઆમ સોશિયલ ડિસ્ટન્સના ચીંથરે ચીંથરા ઉડતા જોવા મળ્યાં હતાં.ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની પૂરી થતાં જ ગુજરાતમાં નવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે નવસારીના સાંસદ સી.આર. પાટીલની નિમણૂક કરાઈ હતી.