ભાજપ સામે કોઇ જ મજબૂત રાજકીય વિકલ્પ નથી : કપિલ સિબ્બલ

નવીદિલ્હી: કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે કોંગ્રેસના નેતૃત્વ પર જ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું હતું કે દેશને મજબૂત અને વિશ્વસનીય વિપક્ષની હાલ જરૂર છે. નોંધનીય છે કે રાહુલ ગાંધીના એક સમયના સાથી જ્યોતિરાદિત્ય સિંધિયા, જિતિન પ્રસાદ વગેરે નેતાઓએ કોંગ્રેસ છોડી દીધુ છે અને ભાજપમાં જાેડાઇ ગયા છે એવામાં કપિલ સિબ્બલે આ નિવેદન આપ્યું છે. સિંધિયા, પ્રસાદ બાદ હવે રાજસ્થાનમાં સચિન પાયલટ અને પંજાબમાં નવજાેતસિંહ સિદ્ધુ પણ નારાજ હોવાના અહેવાલો છે.
એવામાં કપિલ સિબ્બલે કહ્યું છે કે દેશમાં એક મજબૂત વિકલ્પની ખામી છે કપિલ સિબ્બલે સ્વિકાર કર્યો હતો કે હાલમા ભાજપ સામે કોઇ જ મજબૂત રાજકીય વિકલ્પ નથી. જાેકે સાથે તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાસન કરવાનો નૈતિક અધિકાર ખોઇ દીધો છે એવામાં કોંગ્રેસ વર્તમાન વિકલ્પ બની શકે છે.
કપિલ સિબ્બલે કોંગ્રેસના નેતૃત્વ પર જ સીધા સવાલો ઉઠાવ્યા હતા અને કહ્યું કે દેશમાં રાજનીતિક વિકલ્પની કમી છે. દેશને મજબૂત, વિશ્વસનીય વિપક્ષની જરૂર છે. સિબ્બલે પાર્ટીમાં સુધારાની જરૂરતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે એ દેખાડવાની જરૂર છે કે તે સક્રિય છે અને સાર્થક રીતે કામ કરવાની ઇચ્છા ધરાવે છે.
સિબ્બલે સલાહ આપી કે ભારતને પુનરૂત્થાનવાદી કોંગ્રેસની જરૂર છે અને પક્ષે તે સાબિત પણ કરી બતાવવું પડશે. કપિલ સિબ્બલે સલાહ આપી કે કોંગ્રેસમાં ઝડપથી સંગઠનાત્મક ચૂંટણીની જરૂર છે. કેંદ્ર અને રાજ્ય સ્તર પર વ્યાપક સુધારા કરવાની જરૂર છે જેથી તે દેખાડી શકાય કે તે હવે જડતાની સ્થિતિમાં નથી.
રાજનીતિક વિકલ્પનો અભાવ છે. કોંગ્રેસમાં અનુભવ અને યુવાઓની વચ્ચે સંતુલન બનાવવાની પણ જરૂર છે. નોંધનીય છે કે કપિલ સિબ્બલ તે નેતાઓમાં સામેલ છે કે જેઓએ ગત વર્ષે સોનિયા ગાંધીને પત્ર લખીને પક્ષમાં સુધારા કરવાની માગણી કરી હતી. તેઓ કોંગ્રેસથી અસંતુષ્ટ જી-૨૩ ગ્રૂપમાં પણ સામેલ છે.