ભાડજનાં વેપારીનો મોબાઈલ હેક કરી ગઠીયાએ નવ લાખ રૂપિયા ઉસેડી લીધા

પ્રતિકાત્મક
સાંજે મોબાઈલ નેટવર્ક બંધ થયા બાદ બીજે દિવસે સવારે રૂપિયા ઊપડી ગયાનાં મેસેજ આવ્યા
(પ્રતિનિધિ)અમદાવાદ, હાલનાં સમયમાં ટેકનોલોજી વધવાની સાથે સામાન્ય નાગરીકો સાથે ઠગાઈની રીતો પણ બદલાઈ ત્યારે ભાડજનાં એક વેપારીનાં ભાઈનો મોબાઈલ ફોન એક દિવસ અચાનક જ બંધ થઈ ગયા બાદ બીજા દિવસે તેમનાં ખાતામાંથી રૂપિયા નવ લાખ ઉપડી ગયાનો મેસેજ આવ્યો હતો.
વેપારીએ બેંકનો સંપર્ક કરતાં ટ્રાન્જેક્શન ઓટીપી દ્વારા થયો હોવાથી ટ્રાન્જેક્શન વીમા અંગે પણ હાથ અધ્ધર કરી દેવાતાં વેપારીની હાલત કફોડી બની હતી. બીજી તરફ આ ઘટનામાં ગઠીયાએ વેપારીને ફોન, મેસેજ કે કોઈ રીતે સંપર્ક ન કર્યાે હોવા છતાં રૂપિયા ઊસેડી લેતાં કિસ્સો અન્ય લોકો માટે આંખ ઊઘાડનારો બન્યો છે.
આ ઘટના અંગેની વિગત એવી છે કે વિશાલભાઈ સુહાગીયા ભાડજ રહે છે અને સહયોગ ખાદી ગ્રામોદ્યોગ નામે ફર્નીચર ટ્રેડીંગ કરે છે. ૧૭ જુલાઈએ સવારે તેમનાં ખાતામાંથી પાંચ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ નવ લાખ રૂપિયા ઊપડી ગયાનાં મેસેજ આવ્યા હતાં.
જેથી તે ચિંતિત થઈ ગયા હતા. અને તુરંત બેંકનો સંપર્ક કરતાં બેંકમાં રજીસ્ટર્ડ થયેલાં મોબાઈલ ફોનમાં આવેલાં ઓટીપી મારફતે જ તમામ ટ્રાન્ઝેક્શન થયા હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ વિશાલભાઈ કે તેમનાં મોટાભાઈ આ વ્યવહારો અંગે અજાણ હોવાથી તુરંત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને અજાણ્યા ઈસમો વિરુદ્ધ રૂપિયા ૯ લાખની છેતરપિંડીની ફરીયાદ નોંધાવી હતી.
તેમણે ફરીયાદમાં ઊલ્લેખ કર્યાે હતો. ૧૬મી જુલાઈએ સાંજે પાંચ વાગ્યાનાં સુમારે બેંકમાં રજીસ્ટર્ડ કરેલો મોબાઈલ ફોન અચાનક બંધ થઈ ગયો હતો. પરંતુ મોબાઈલ નેટવર્કમાં પ્રોબ્લેમ હશે તેમ માની વિશાલભાઈએ તે બાબતને વધુ મહત્ત્વ આપ્યું નહતું. અને બીજા દિવસે સવારે તેમને ઠગાઈની જાણ થઈ હતી. વધુમાં તેમનો ફોન હેક કરી અથવા સીમ સ્વેપીંગ દ્વારા કોઈએ આ સમગ્ર કાંડ કર્યાની શંકા વ્યક્ત કરી હતી.
સાયબર ક્રાઈમ પોલીસે તેમની ફરીયાદ ભાઈ તપાસ શરૂ કરી બીજી તરફ ૪૫ દિવસે બેંક તરફથી ઓટીપી દ્વારા તમામ ટ્રાન્ઝેક્શન થયાં હોવાથી હવે કંઈ થશે નહીં અને ટ્રાન્ઝેક્શન વીમાના રૂપિયા પણ નહીં મળે તેવો જવાબ આવ્યો હતો.