Western Times News

Gujarati News

ભાડજ સર્કલ નકલી પોલીસ તોડ કરતી હતી ત્યાં જ અસલી પોલીસ ત્રાટકી

ગઠિયા પોલીસની ઓળખ આપી વાહનચાલકો સાથે મારઝૂડ પણ કરતા હતા

(એજન્સી) અમદાવાદ, સ્થાનિક પોલીસ તેમજ એજન્સીઓને શરમાવે તેવી કામગીરી ટ્રાફિક પોલીસ કરી રહી છે. ટ્રાફિક પોલીસની સતર્કતાના કારણે અનેક ગંભીર ગુનાનો પર્દાફાશ થઈ રહ્યો છે ત્યારે ગઈકાલે વધુ એક સફળતા મળી છે. એસપી રિંગ રોડ ઉપરથી વાહનચાલકોને પોલીસની ઓળખ આપીને તોડ કરતી ટોળકીને ટ્રાફિક પોલીસે ઝડપી લીધી છે.

નકલી પોલીસ વાહનચાલકો સાથે મારઝુડ કરીને તોડ કરતી હતી ત્યારે ટ્રાફિક પોલીસ સિંઘમ બનીને ત્રાટકી હતી અને બે શખ્સને ઝડપી લીધા હતા. પોલીસની ટીમને જોતાંની સાથે એક યુવક બાઈક લઈને જતો રહ્યો હતો જયારે બે ઝડપાઈ ગયા હતા.

‘એ’ ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિષ્ણુજીએ સોલા પોલીસ સ્ટેશનમાં અન્વારૂલહક અંસારી (રહે. વિશ્વનાથ નગર, બાપુનગર), અમિત ઉર્ફે ભુરિયો નાગર (રહે. પુષ્પક સિટી, હાથીજણ) અને પિન્ટુ (રહે. વટવા) વિરૂદ્ધ હુમલાની તેમજ બોગસ પોલીસ કર્મચારી બનવાની ફરિયાદ કરી છે. વિષ્ણુજી એ ટ્રાફિક પોલીસ સ્ટેશનની ટુ ગાડીમાં ઈન્ચાર્જ તરીકે ફરજ બજાવે છે.

તેમની સાથે પોલીસ કોન્સ્ટેબલ દિલીપજી, પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ કામ કરે છે. ગઈકાલે તેઓ પોતાની ફરજ ઉપર હાજર હતા ત્યારે પોલીસ ઈન્સ્પેકટર પી.બી. ઝાલાએ માહિતી આપી હતી કે ભાડજ સર્કલ એસપી રિંગ રોડ પાસે પોલીસના નામ ઉપર કેટલાક શખ્સ વાહનચાલકોને હેરાન પરેશાન કરી રહ્યા છે. પીઆઈએ વિષ્ણુજી સહિતના લોકોને કાર્યવાહી કરવાના આદેશ આપી દીધા હતા.

ગઈકાલે વિષ્ણુજી સહિતના લોકો પેટ્રોલિંગમાં હતા ત્યારે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ ભાડજ સર્કલથી ઓગણજ સર્કલ તરફ જવાના સર્વિસ રોડ પર એક શંકાસ્પદ સ્વિફટ કાર ઉભી હતી. સ્વિફટ કારની બાજુમાં બે શખ્સ અન્ય વાહનચાલકો સાથે રકઝક કરી રહ્યા હતા. ટ્રાફિક પોલીસની ટીમે દૂરથી શંકાસ્પદ વ્યક્તિઓનો તમાશો જોયો હતો અને બાદમાં ધીમેથી તેમની પાસે ગઈ હતી.

ટ્રાફિક પોલીસની ટીમને જોતાંની સાથે જ એક યુવક બાઈક લઈને નાસી ગયો હતો જયારે બે શખ્સની અટકાયત કરી લીધી હતી. પોલીસે શકમંદ વ્યક્તિઓની અટકાયત કરી લીધી હતી અને વાહનચાલક રાજુ ડાવર (રહે. રામેશ્વર સિટી, ધોળકા)ની પુછપરછ કરી હતી.

રાજુ ડાવરે વિષ્ણુજીને જણાવ્યું હતું કે અમે ગાડી લઈને જઈ રહ્યા હતા ત્યારે બે શખ્સોએ અમને રોકયા હતા બંને શખ્સોએ રાજુ ડાવરને જણાવ્યું હતું કે અમે પોલીસ છીએ તમે કેમ ચાલુ ગાડીએ ફોન પર વાત કરો છો. રાજુ ડાવર કાંઈ બોલે તે પહેલાં બંને શખસોએ ગાડીનું ચેકિંગ કરવાનું શરૂ કરી દીધું હતું. બંને શખ્સોએ પોલીસની વર્દી પહેરી ન હોવાથી રાજુએ તેમની પાસેથી પોલીસ હોવાનું આઈકાર્ડ માગ્યું હતું. રાજુની વાત સાંભળીને બંને શખ્સોએ ઉંચાઅવાજે કહ્યું હતું કે અમે પોલીસ છીએ તમે અમારી પાસે શેનું ઓળખ કાર્ડ માગો છો.

બંને શખસોએ પોલીસની ઓળખ આપીને રાજુ ડાવર અને તેની સાથે રહેલા રાજુ મહેતા સાથે મારામારી કરી હતી બંને શખસોએ રાજુ ડાવરને કહ્યું કે પતાવટ કરવી હોય તોપાંચ હજાર આપ, નહીં તો હમણાં મોટો કેસ કરીને જેલ ભેગો કરી દઈશું. રાજુ ડાવરે નિવેદન આપતાંની સાથે જ ટ્રાફિક પોલીસની ટીમે બંને શખ્સની પુછપરછ કરી હતી.

બંને શખ્સ પૈકી એકનું નામ અન્વારૂલહક અંસારી છે અને બીજાનું નામ અમિત ઉર્ફે ભૂરિયો છે. જયારે બાઈક લઈને ભાગી જનારનું નામ પિન્ટુ હોવાનું સામે આવ્યું છે. ટ્રાફિક પોલીસે બંને શખ્સની ધરપકડ કરીને સોલા પોલીસને જાણ કરી દીધી હતી.

સોલા પોલીસે આ મામલે નકલી પોલીસ બનીને વાહનચાલકો પાસે તોડ કરતા બે શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. આ મામલે ટ્રાફિક ડીસીપી નીતા દેસાઈએ જણાવ્યું છે કે નકલી પોલીસ બનીને આરોપીઓ રાહદારીઓનો તોડ કરી રહ્યા હતા ત્યારે ટ્રાફિક પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને તેમની ધરપકડ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.