ભાડેથી લીધેલી બે કાર ગીરવે મુકી દેતા છેતરપીંડીની ફરીયાદ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ 04062019: સોલા વિસ્તારમાં એક લેભાગુ ગાડી ચલાવવા લઈ ગયા બાદ બે ગાડીઓ બારોબાર ગીરવે મુકીને રૂપિયા ચાંઉ કરી લેતા કાર માલિકે પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.
આ અંગેની વિગત એવી છે કે રાણીપ સોમેશ્વર ટેનામેન્ટમાં રહેતા સંજયભાઈ પૂનમભાઈ પટેલ પોતે ડ્રાઈવિંગનો ધંધો કરે છે. અને પોતાની માલિકીની કેટલીક ગાડીઓ પણ ધરાવે છે. સંજયભાઈ આ ગાડીઓ ક્યારેક ભાડેથી પણ ફેરવે છે.
કેટલાંક સમય અગાઉ થલતેજ ગામની સોમેશ્વર સોસાયટીમાં રહેતા રોનક નટવરલાલ પટેલે સંજયભાઈ સાથે ભાડા કરાર કરીને સ્વીફટ તથા ઈનોવા એમ બે ગાડીઓ ભાડેથી લીધી હતી. ઘણાં દિવસો સુધી ગાડીઓ પરત ન આપતા સંજયભાઈએ રોનકનો સંપર્ક કર્યો હતો. જા કે રોનક તરફથી કોઈ સરખા જવાબ ન આવતા સંજયભાઈએ પોતાની સાડા સાત લાખ રૂપિયાની કિંમતની બે ગાડીઓ અંગે પોતાની રીતે તપાસ આદરી હતી. જેમાં ભાડા કરાર કરી બંન્ને ગાડીઓ લઈ ગયા બાદ રોનકે બંન્ને કાર કોઈ ત્રીજી વ્યક્તિ ત્યાં ગીરવે મુકી હોવાનું બહાર આવ્યુ હતુ.
તથા આ રૂપિયા પણ રોનકે ચાંઉ કરી લીધા હોવાનું બહાર આવ્યુ હતુ. જેના પગલે સંજયભાઈએ ે સોલા પોલીસ સ્ટેશનમાં રોનક પટેલે વિરૂધ્ધ છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી. પોલીસે આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે અગાઉ પણ ગાડીઓ ભાડેથી લઈ ગયા બાદ લેભાગુ તત્વો દ્વારા ગાડીઓ બારોબાર વેચી મારવાના કેટલાંય કિસ્સાઓ બહાર આવ્યા છે.
આવા તત્વો ગાડીઓ રાજ્યની બહાર લઈ જઈ નંબર પ્લેટ બદલીને એન્જીન તથા ચેસીસ નંબર ભુંસી નાંખતા હોય છે.