ભાદર કેનાલમાં રવી પાક માટે પાણી છોડાયું
ર૩૦૦ હેકટર સિંચાઈ માટેના ફોર્મ આવી ગયાઃ ખેડૂતોમાં આનંદ
જેતપુર, જેતપુર પંથકમાં જીવાદોરી સમાન સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ ભાદર ડેમ લીલાખા ગામ નજીક છે. આ ડેમમાંથી સૌરાષ્ટ્રની વિશાળ સિંચાઈ ઈરીગેશન કુલ ર૬૮૦૦ હેકટર જમીનને પાણી મળી રહે તેવી ૭૮ કિ.મી. મેઈન કેનાલ તેમજ માઈનર મળીને કુલ ૧૯પ કિ.મી. સ્ત્રાવ સાથે ઈરીગેશન કમાન્ડ છે.
જેતપુર, ધોરાજી, જામકંડોરણા તથા ગોંડલ તાલુકાના આશરે ૪૭ ગામના ખેડૂતોને ભાદર કેનાલ સિંચાઈનું પાણી પોતાના ખેતરોમાં લહેરાતા પાકને જીવતદાન મળતું જ રહે છે. જાેકેઆ વર્ષે મેઘરાજાની કૃપા અવિરત વરસતી રહેવાથી ભાદર ડેમ ઓવરફલો થઈ ગયો હતો.
જેનો લાભ ખેડૂતોને શિયાળુ પાક માટે મળશે. ભાદર ડેમમાં ઈજનેર હિરેશ જાેશીએ જણાવ્યું છે કે, ખેડૂતોને ખેતરોમાં વાવેતર માટેનું ૧૦,૦૦૦ હેકટર ઈરીગેશનનું પ્લાનીંગ છે. જયારે ર૩૦૦ હેકટર સિંચાઈ માટેના ફોર્મ આવી ગયા છે. હજુ તા.૧૭/૧ર સુધી ખેડૂતો ફોર્મ ભરી શકશે.
કેનાલ મારફત પાણી ઉભા પાકને ત્રણ પાણ તેમજ રવી પાકને છ પાણ આપવાની માહિતી આપી હતી. બપોરે ૧૧.૩૦ કલાકે પૂજન વિધિ કરીને કેનાલ મારફત પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.