ભાનુશાળી કેસમાં મનીષા અને સુરજીતની ધરપકડ
અમદાવાદ : ગત તા.૮ જાન્યુઆરી,૨૦૧૮ના રોજ સયાજીનગરી એક્સપ્રેસમાં પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની પોઇન્ટ બ્લેન્ક રેન્જથી હત્યા કરવાના ચકચારભર્યા પ્રકરણમાં સીટ અને રેલ્વે પોલીસે આ કેસના મુખ્ય સૂત્રધાર આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની ધરપકડ કરી હતી. અગાઉ પોલીસે નવ આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે મનીષા ગોસ્વામી, સુરજીત ભાઉ અને નિખીલ થોરાટ ફરાર હતા. ત્યારે સીઆઈડીએ રચેલી એસઆઈટીને મોટી સફળતા મળી છે અને ત્રણેય ફરાર પૈકી આ બે આરોપીઓની ધરપકડ કરી હતી. આ સાથે જ ભાનુશાળી હત્યા કેસમાં ધરપકડનો આંક ૧૧ પર પહોંચ્યો હતો.
મનીષા ગોસ્વામી અને સુરજીતભાઉને અલ્હાબાદ કોર્ટમાં રજૂ કરાશે. બાદમાં એસઆઈટી બંનેને ગુજરાત લાવશે. અગાઉ સીટે છબીલ પટેલની કરેલી પૂછપરછમાં એવું બહાર આવ્યું હતું કે, મૃતક જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે રાજકીય સ્પર્ધાના કારણે મનદુખ હોઈ તેમણે મનીષા ગોસ્વામી, સુજીત ભાઉ તથા તેમની ગેંગનો સાથ લઈ જયંતિ ભાનુશાળીને બદનામ કરવા માટે પ્લાન ઘડ્યો હતો. જે અંતર્ગત ભાનુશાળી સામે સુરતમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જા કે, સમાજના આગેવાનીની મધ્યસ્થીથી આ કેસમાં બંને વચ્ચે સમાધાન થયું હતું અને ભાનુશાળીનો છુટકારો થયો હતો. આ બનાવ બાદ બંને વચ્ચે ફરી મનદુઃખ વધી ગયું હતું જેમાં વળતા ધા તરીકે જયંતિ ભાનુશાળીએ છબીલ પટેલ સામે દિલ્હીમાં દુષ્કર્મની ફરિયાદ ઊભી કરાવી હતી. બીજી બાજુ છબીલ પટેલના સાથી જયંતિ ઠક્કર ઉર્ફે જયંતિ ડુમરાએ કે.ડી.સી.સી. બેંકમાં કરેલા આર્થિક વ્યવહારો બાબતે ચાલતી તપાસ પરનો સ્ટે ભાનુશાળીએ ઉઠાવવાનો પ્રયાસ કરતા મામલો વધુ બીચક્યો હતો.
આખરે જયંતિ ડુમરા તથા છબીલ પટેલે હત્યાનું કાવતરૂ ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. જે મુજબ, ગત તા.૮ જાન્યુઆરી,૨૦૧૯ના રોજ સયાજી એક્સપ્રેસ ટ્રેનમાં જયંતિ ભાનુશાળીની પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ફાયરીંગ કરી
ઠંડા કલેજે હત્યા કરવામાં આવી હતી.
ભાનુશાળીએ સમાધાન કર્યા બાદ છબીલ સામે ફરિયાદ દાખલ કરાવી અને જયંતિ ઠક્કર ઉર્ફે ડુમરાના આર્થિક વ્યવહારોની તપાસ પરનો સ્ટે ઊઠે તે માટે પ્રયાસો કરતા ડુમરાએ છબીલને કહ્યું હતું કે, હવે તો આને પતાવી દેવો પડે અને ત્યારબાદ તેમણે સુરજીત ભાઉ અને અન્યોને હત્યાની સોપારી આપી એડવાન્સ પેટે રૂ. ૫ાંચ લાખ પણ ચૂકવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, જયંતિ ડુમરા છબીલ પટેલનો ભાગીદાર હોવાનું કહેવાય છે.
ભાનુશાળીની હત્યા માટે ભાડુતી હત્યારાઓને ચૂકવાયેલી રકમમાં રૂ.૫ લાખનો હિસ્સો જયંતિ ડુમરાએ આપ્યો હોવાનું તપાસમાં ખૂલ્યું છે. છેલ્લા દસ મહિનાથી મનીષા ગોસ્વામી અને સુરજીત ભાઉની તપાસ કરી રહેલ સીટ અને રેલ્વે પોલીસને બાતમી મળી હતી કે, ઉત્તરપ્રદેશમાં કોઇ સ્થળે આ બંને આરોપીઓ સાધુનો વેશપલ્ટો કરી આશ્રમમાં છુપાઇને રહેતા હતા.
પોલીસે ભારે ગુપ્તતાપૂર્વક વોચ કરી આખરે બંને આરોપીઓને ઉઠાવી લીધા હતા અને ભાનુશાળી હત્યા કેસમાં બહુ મોટી સફળતા મેળવી હતી.