ભાભર તાલુકામાં બાળલગ્ન અટકાવી બાળ લગ્ન પ્રતિબંધક કાયદાની સમજ અપાઈ
(માહિતી બ્યુરો, પાલનપુર) બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના અસાણા ગામે બાળલગ્ન થઈ રહ્યા છે તેવી માહિતીના આધારે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીશ્રી એમ.કે.જાેશી તેમજ તેમની ટીમ અને ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઈન અને ભાભર પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને પરપ્રાંતીય કિશોરીના બાળલગ્ન અટકાવાયા હતાં.
આ કિશોરીને ચાઈલ્ડ વેલ્ફેર કમિટી બનાસકાંઠા સમક્ષ રજૂ કરી તેને નારી સુરક્ષા કેન્દ્ર પાલનપુર ખાતે મોકલવામાં આવી હતી. તેમજ સ્થળ પર હાજર તમામ લોકોને બાળ લગ્ન પ્રતિબંધ કાયદા અંગેની સમજ આપી અને કિશોરીના માતા-પિતાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
તેમજ ભાભર તાલુકાના ઇંદરવા ગામે કિશોરીના બાળ લગ્ન બાબતની માહિતી મળતાં ઘટનાસ્થળ પર તપાસ કરી હતી. કિશોરીના માતા-પિતા પાસેથી બાળ લગ્ન ન કરવા બાબતે સંમતિ મેળવેલ અને સ્થળ પર હાજર તમામ લોકોને બાળ લગ્ન પ્રતિબંધક કાયદાની જાેગવાઈ સમજાવી અને તેની સમાજ પર પડનાર વિપરીત અસરો વિશે લોકોને સમજણ આપવામાં આવી હતી. તેમ બનાસકાંઠા જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની કચેરી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.