ભાભી-દિયર વચ્ચેના આડા સંબંધનો ભાંડો ન ફૂટે તેથી સગી માતાએ ૬ વર્ષના પુત્રની હત્યા કરી
અમદાવાદ, ગુનેગાર ગમે તેટલું છુપાવે પરંતુ પાપ છાપરે ચડીને પોકારે, એ ઉક્તિ ફરી વાર સાચી પુરવાર થઈ છે. વિરમગામ તાલુકાના જાલમપુર ગામમાં કોઈ ક્રાઇમ થ્રિલર ફિલ્મની પટકથા જેવી ઘટનાનો અઢી વર્ષ પછી પર્દાફાશ થયો છે.
સપ્ટેમ્બર, ૨૦૧૮માં ગુમ થયેલા ૬ વર્ષના માસૂમ બાળકની તેની જ માતાએ દિયર સાથે મળીને ઠંડા કલેજે હત્યા કરી મૃતદેહ સગેવગે કર્યો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસે બંને દિયર-ભાભીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ગુમ થયેલાં બાળકો શોધી કાઢવાની ડ્રાઇવમાં બહાર આવેલા હત્યાના ગંભીર ગુનાની પ્રાપ્ત માહિતી અનુસાર જાલમપુરમાં રહેતા નવઘણભાઈ કોદાભાઈ કો. પટેલનો ૬ વર્ષીય પૌત્ર હાર્દિક ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૮એ ઘર આંગણેથી ગુમ થયો હતો. ઘણી શોધખોળ કરવા છતાં હાર્દિકની ભાળ ન મળતાં તેમણે વિરમગામ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
કેસની તપાસ દરમિયાન પોલીસને ચોંકાવનારી માહિતી મળી હતી. તે પ્રમાણે નવઘણભાઈ પત્ની પાર્વતીબહેન, મોટો પુત્ર જગદીશ, તેની પત્ની જાેસના, બંનેનાં સંતાનો હાર્દિક અને ૩ વર્ષીય પુત્રી શ્રદ્ધા તથા અપરીણિત નાનો પુત્ર રમેશ ઉર્ફ કટો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા.
૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૮એ જગદીશભાઈ ખેતરે ખેતીકામ કરવા ગયા હતા. પાર્વતીબહેન સામાજિક કામ અર્થે વસવેલિયા ગયાં હતાં. રમેશ વિરમગામ નોકરીએ ગયો હતો જ્યારે જાેસના પુત્રી શ્રદ્ધાને લઈને તળાવે કપડાં ધોવા ગઈ હતી. ઘરમાં નવઘણભાઈ અને હાર્દિક જ હતા. દાદી પાર્વતીબહેને પૌત્ર હાર્દિકને ચોકલેટ ખાવા માટે ૨ રૂપિયા આપ્યા હોવાથી તે નજીકમાં આવેલી બુટાભાઈ કો.પટેલની કરિયાણાની દુકાને ચોકલેટ લેવા ગયો હતો.
નવઘણભાઈ ઘરમાંથી બહાર આવ્યા ત્યારે હાર્દિક જાેવા ન મળતાં તેમણે આસપાસ તપાસ કરી હતી, પરંતુ ક્યાંય પતો ન લાગતાં તેમણે રમેશને ફોન કરી ઘટનાની જાણ કરી હતી. આખા ગામમાં તપાસ કરવા છતાં હાર્દિકની ભાળ ન મળતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું હતું
કે હાર્દિકની માતા જાેસનાને દિયર રમેશ સાથે આડા સંબંધો હતા. હાર્દિક માતા અને કાકાને જાેઈ ગયો હતો. આથી, પરિવાર અને ગામના લોકોને આડા સંબંધની જાણ થઈ જશે, તેવી બીકે બંનેએ હાર્દિકનું અપરહરણ કરી મારી નાખવા ષડ્યંત્ર રચ્યું હતું. કાવતરા પ્રમાણે ૨૮ સપ્ટેમ્બર, ૨૦૧૮એ બંને હાર્દિકને ખેતરમાં ઉઠાવી ગયાં હતાં. અને કાકા રમેશે માસૂમ હાર્દિકનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો
અને બાજુના ખરાબાની બાવળવાળી જગ્યામાં હાર્દિકનો મૃતદેહ સળગાવી દીધો હતો. બાદમાં મૃતદેહના અવશેશોને માટી અને રાખ સાથે કોથળામાં ભરી રેતીના ઢગલામાં દાટી દીધા હતા. ત્યાર બાદ રમેશ વિરમગામ નોકરીએ જતો રહ્યો હતો જ્યારે જાેસના ઘરે જતી રહી હતી.
બીજા દિવસે વહેલી સવારે રમેશે કોથળો કાઢીને બાજુમાં આવેલી ગટરમાં નાખી પુરાવાનો નાશ કર્યો હતો.પોલીસે આરોપી રમેશ ઉર્ફે કટો નવઘણભાઈ કો.પટેલ તથા જાેસના જગદીશભાઈ કો.પટેલને ઝડપી લીધા હતા. આરોપીઓ હાલ પોલીસ રીમાન્ડ ઉપર છે. તેમજ આરોપીઓ વિરુદ્ધ કલમ ૩૦૨, ૨૦૧, ૧૨૦ (બી), ૧૧૪ મજુબ કલમ વધારો કરવા કાર્યવાહી કરવામા આવેલ છે. આ ગુનાની તપાસ યુ.બી.ધાખડા પો.ઇન્સ. એ.એચ.ટી.યુ.શાખા અમદાવાદ ગ્રામ્ય નાઓ સંભાળી રહેલ છે.