ભારતના ટોચના 10 પોલીસ સ્ટેશનોમાં ગુજરાતનું એક પણ નહિં
વર્ષ 2020 માટે ભારતના ટોચના 10 પોલીસ સ્ટેશન જાહેર કરવામાં આવ્યા
ભારત સરકાર દ્વારા દર વર્ષે સમગ્ર દેશમાંથી સૌથી શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ સ્ટેશન પસંદ કરવામાં આવે છે. પોલીસ સ્ટેશનો વધુ અસરકારક રીતે કામ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા અને તેમનામાં એક મજબૂત પારસ્પરિક સ્પર્ધાનો માહોલ બનાવવા માટે આ પસંદગી કરવામાં આવે છે.
વર્ષ 2020 માટે સમગ્ર દેશમાંથી પસંદ કરવામાં આવેલા ટોચના 10 પોલીસ સ્ટેશનની વિગતો નીચે મુજબ છે:
ગુજરાતના કચ્છમાં 2015માં યોજાયેલી પોલીસ મહા નિદેશકોની બેઠક દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા સૂચનોના અનુપાલનમાં આ પસંદગી કરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ નિર્દેશો આપ્યા હતા કે, પોલીસ સ્ટેશનોને ક્રમ આપવા માટે અને પ્રતિભાવોના આધારે તેમની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે ચોક્કસ માપદંડો નિર્ધારિત કરવા જોઇએ.
આ વર્ષે ગૃહ મંત્રાલય દ્વારા પડકારજનક પરિસ્થિતિઓ વચ્ચે શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનોની પસંદગી માટેનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. કોરોના મહામારીની પરિસ્થિતિના કારણે મુસાફરી પર લાગુ કરવામાં આવેલા વિવિધ પ્રતિબંધોના કારણે દૂરસ્થ વિસ્તારોમાં આવેલા પોલીસ સ્ટેશનોનું મૂલ્યાંકન કરવું ઘણું અઘરું હતું. તેના પરિણામે, સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓનું પાલન કરીને આ સર્વે હાથ ધરવામાં આવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, સમગ્ર દેશના હજારો પોલીસ સ્ટેશનોમાંથી પસંદ કરવામાં આવેલા મોટાભાગના પોલીસ સ્ટેશનો નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાંથી છે. સૌથી શ્રેષ્ઠ પસંદ કરવામાં આવેલા ટોચના 10 પોલીસ સ્ટેશનોના સંદર્ભમાં પણ આ વાત સાચી છે. આ બાબત સૂચવે છે કે, સંસાધનોની ઉપલબ્ધતા ઘણી મહત્વપૂર્ણ છે તેની સાથે સાથે, ગુનાખોરી રોકવા અને નિવારવા માટે તેમજ આપણા રાષ્ટ્રની સેવા કરવા માટે પોલીસ કર્મચારીઓ દ્વારા દાખવવામાં આવતી કર્તવ્યનિષ્ઠા અને સમર્પણની ભાવના પણ એટલું જ મહત્વ ધરાવે છે.
દેશમાં આવેલા 16,671 પોલીસ સ્ટેશનોના ડેટાનું વિશ્લેષણ, પ્રત્યક્ષ દેખરેખ અને જાહેર જનતા તરફથી મળેલા પ્રતિભાવોના આધારે ટોચના 10 પોલીસ સ્ટેશનો પસંદ કરવાનો મૂળ ઉદ્દેશ હતો. ક્રમ આપવાની પ્રક્રિયા ચોક્કસ માપદંડોને ધ્યાનમાં રાખીને દરેક રાજ્યમાંથી સૌથી શ્રેષ્ઠ કામગીરી કરતા પોલીસ સ્ટેશનો પસંદ કરવા સાથે શરૂ કરવામાં આવી હતી. આ માપદંડો નીચે દર્શાવ્યા પ્રમાણે છે:
મિલકતના ગુનાઓ
મહિલાઓ સામેના ગુનાઓ
નબળા વર્ગ સામેના ગુનાઓ
લાપતા લોકો, અજ્ઞાત વ્યક્તિઓ મળી આવવી અને લાવારીસ મૃતદેહો મળી આવવા
છેલ્લા માપદંડને આ વર્ષથી સામેલ કરવામાં આવ્યો છે.
દરેક રાજ્યમાંથી પ્રારંભિક તબક્કે પસંદ કરવામાં આવેલા પોલીસ સ્ટેશનની સંખ્યા નીચે પ્રમાણે છે:
750કરતાં વધુ પોલીસ સ્ટેશન ધરાવતા દરેક રાજ્યમાંથી ત્રણ
અન્ય રાજ્યો અને દિલ્હીમાંથી બે
દરેક કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી એક
ક્રમ આપવાની પ્રક્રિયાના આગલા તબક્કા માટે 75 પોલીસ સ્ટેશનની પસંદગી કરવામાં આવી હતી.
અંતિમ તબક્કામાં, જનતાને સેવા પૂરી પાડવાના ધોરણો અને પોલીસ કામગીરીમાં સુધારો લાવવા માટે ટેકનિકો ઓળખવાના સંદર્ભમાં 19 માપદંડો ઓળખી કાઢવામાં આવ્યા હતા. એકંદરે ગુણાંકમાં આ ભાગ 80 ટકા હિસ્સો ધરાવતો હતો. બાકીના 20 ટકા ગુણ પોલીસ સ્ટેશનના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકોની ત્યાં સુધીની પહોંચ તેમજ સામાન્ય જનતા પાસેથી મળેલા પ્રતિભાવો આધારિત હતા. સામેલ કરવામાં આવેલી નાગરિકોની શ્રેણીમાં રહેણાંક વિસ્તારથી નજીક, બજારથી નજીક અને પોલીસ સ્ટેશન છોડતા નાગરિકો વગેરે હતી. પ્રતિભાવ માટે સંપર્ક કરવામાં આવેલા લોકોમાં 4,056 પ્રતિભાવકોને આવરી લેવામાં આવ્યા હતા, જેમાં પસંદ કરેલા પ્રત્યેક સ્થળની આસપાસમાંથી અંદાજે 60 વ્યક્તિ પાસેથી પ્રતિભાવો લેવામાં આવ્યા હતા.
સમગ્ર દેશના તમામ રાજ્યોએ આ વર્ષે કોરોના મહામારીના સમયગાળા વચ્ચે પણ સર્વે પૂરો કરવા માટે સંપૂર્ણ સહકાર સાથે ભાગ લીધો હતો. પોલીસ સ્ટેશનોના વાર્ષિક રેન્કિંગમાં પોલીસ કર્મચારીઓએ કરેલા સખત પરિશ્રમને ધ્યાનમાં લેવામાં આવે છે જે આપણા પોલીસ દળોને પ્રોત્સાહન આપે છે અને દેશમાં ભવિષ્યના માર્ગદર્શન માટે પોલીસની કામગીરીના સંખ્યાબંધ પરિબળો માટે પ્રતિભાવ પણ આપે છે. આનાથી પોલીસ સ્ટેશનોના સ્તરે ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સંસાધનો અને ખામીઓનું વાસ્તવિક ચિત્ર સામે આવે છે. પોલીસ સ્ટેશનોને રેન્કિંગ આપવાની આ વાર્ષિક કવાયત સુધારા માટે એક અવિરત માર્ગદર્શક તરીકે કામ કરે છે.