ભારતના દરેક વ્યક્તિ સુધી કોરોનાની રસી પહોંચતા ત્રણ વર્ષ લાગી શકે
નવી દિલ્હી,કોરોનાની વેક્સિન બનાવી રહેલી ભારતની સીરમ ઈન્સ્ટિટ્યુટનો પ્રયત્ન એવો છે કે, આ વર્ષના અંતિમ તબક્કામાં કોરોના વેક્સિન માટે સરકારની ઈમરજન્સી મંજૂરી મળી જાય.જેથી કોરોના સામે લડાઈ લડી રહેલા વોરિયર્સ અને ઘરડા વ્યક્તિઓને આ રસી વહેલી તકે મળી શકે.
એવુ મનાય છે કે, પ્રાઈવેટ માર્કેટમાં આ વેક્સિનની કિંમત 500 થી 600 રુપિયા રહેશે.જોકે દરેક ભારતીય સુધી આ રસી પહોંચતા ત્રણ વર્ષ જેટલો સમય લાગી શકે છે.સીરમ ઈન્સ્ટિટ્યુટના સીઈઓ આદિર પૂનાવાલાનુ કહેવુ છે કે, આગામી વર્ષમાં ફેબ્રુઆરી સુધી કોરોના વોરિયર્સ માટે તેમજ ઘરડા લોકો માટે અને સામાન્ય જનતા માટે એપ્રિલ મહિના સુધીમાં રસી બજારમાં આવી જાય તેવુ શક્ય છે.
લોકોને રસીનો બે ડોઝ લેવો પડશે અને તેની મહત્તમ કિંમત 1000 રુપિયા રહેશે.જોકે તેનો આધાર રસીના પરીક્ષણના અંતિમ પરિણામો પર અને ડ્રગ રેગ્યુલેટર પર રહેશે.જો નવેમ્બર ડિસેમ્બર વચ્ચે બ્રિટનમાં વેક્સિનના પરિણામો સારા રહેશે તો આપણે સ્વાસ્થ્ય કર્મીઓ અને ઘરડા લોકોને રસી આપવા માટે ઈમરજન્સી મંજૂરી માંગીશું.જ્યારે સામાન્ય લોકો માટે એપ્રિલ મહિનાથી રસી બજારમાં મુકી શકાશે.ઈન્સ્ટિટ્યુટ એક મહિનામાં પાંચ થી 6 કરોડ ડોઝ તૈયાર કરી શકે છે.વધારે ડિમાન્ડના કારણે ભારત સરકારને વેક્સિન 3 થી 4 ડોલરમાં પડશે પણ આમ જનતાને આ વેક્સિન 500 રુપિયામાં મળશે.
તેમણએ કહ્યુ હતુ કે, 2024 સુધીમાં દરેક ભારતીયને કોરોનાની રસી મળી ચુકી હશે.કારણકે રસી લોકો સુધી પહોંચાડવા માટે ઘણી બધી બાબતો ગણતરીમાં લેવી પડશે.લોકોને રસી મુકવા માટે રાજી પણ કરવા પડશે.
ઈન્સ્ટિટ્યુટમાં હાલમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે મળીને રસી તૈયાર કરાઈ રહી છે અને આ વેક્સિનના અત્યાર સુધીમાં સૌથી સારા પરિણામ મળ્યા છે તેમ ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચનુ કહેવુ છે.
જોકે તેની સાથે સાથે ફાઈઝર, જોન્સસન એન્ડ જોન્સન, મોડર્ના અને ભારતની ભારત બાયોટેક પણ કોરોનાની રસી બનાવવા માટે કામ કરી રહી છે.