ભારતના લોકતાંત્રિક વારસાને મજબૂત કરવા અને આગળ વધારવા બાબા સાહેબે મજબૂત પાયો નાખ્યો: પ્રધાનમંત્રી
એસોસિયેશન ઑફ ઇન્ડિયન યુનિવર્સિટીઝની 95મી વાર્ષિક સભા અને ઉપકુલપતિઓના રાષ્ટ્રીય સેમિનારને પ્રધાનમંત્રીનું સંબોધન
બાબાસાહેબ ડૉ. આંબેડકર અંગે ચાર પુસ્તકોનું વિમોચન
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ એસોસિયેશન ઑફ ઈન્ડિયન યુનિવર્સિટીઝની 95મી વાર્ષિક સભા અને ઉપકુલપતિઓના રાષ્ટ્રીય પરિસંવાદને આજે વીડિયો કૉન્ફરન્સિંગથી સંબોધન કર્યું હતું. તેમણે શ્રી કિશોર મકવાણા દ્વારા લિખિત બાબાસાહેબ ડૉ. બી. આર. આંબેડકર સંબંધી ચાર પુસ્તકોનું વિમોચન પણ કર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ, મુખ્ય મંત્રી અને શિક્ષણ મંત્રી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી અને અન્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન અમદાવાદની ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીએ કર્યું હતું.
કૃતજ્ઞ રાષ્ટ્ર વતી પ્રધાનમંત્રીએ ભારત રત્ન બાબાસાહેબ ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને કહ્યું હતું કે દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે એવા સમયે આંબેડકરની જયંતિ આપણને નવી ઉર્જા આપે છે.
શ્રી મોદીએ ભાર મૂક્યો હતો કે વિશ્વમાં ભારત લોકશાહીની જનેતા છે અને લોકશાહી એ આપણી સંસ્કૃતિ અને આપણા જીવનનો અભિન્ન અંગ રહી છે. બાબાસાહેબે ભારતના લોકતાંત્રિક વારસાને મજબૂત કરીને આગળ વધારવા માટે મજબૂત પાયો નાખ્યો હતો એમ પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું.
ડૉ. બાબાસાહેબની ફિલસૂફી અંગે વાત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ડૉ. આંબેડકર જ્ઞાન, સ્વમાન અને વિનમ્રતાને પોતાના ત્રણ આરાધ્ય દેવ ગણતા હતા. સ્વમાન જ્ઞાન સાથે આવે છે અને વ્યક્તિને એના અધિકારોથી જાગૃત કરે છે. સમાન અધિકારો દ્વારા સમાજિક સુમેળ ઉદભવે છે અને દેશ પ્રગતિ કરે છે. આપણી શિક્ષણ પદ્ધતિ અને યુનિવર્સિટીઓની એ જવાબદારી છે કે બાબાસાહેબે દર્શાવેલા માર્ગ પર દેશને આગળ વધારે એમ શ્રી મોદીએ ઉમેર્યું હતું.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે દરેક વિદ્યાર્થીને કોઇ ચોક્કસ ક્ષમતાઓ હોય છે. આ ક્ષમતાઓ વિદ્યાર્થી અને શિક્ષક સમક્ષ ત્રણ પ્રશ્નો ઊભા કરે છે. પહેલો- કરી શકવા માટે તેઓ શું કરી શકે? બીજો- જો એમને યોગ્ય રીતે શીખવવામાં આવે તો એમની સંભાવનાઓ શું? અને ત્રીજો- તેઓ શું કરવા માગે છે? પહેલા સવાલનો જવાબ વિદ્યાર્થીઓની આંતરિક શક્તિ છે. જો કે જો એમની આંતરિક શક્તિમાં સંસ્થાકીય શક્તિ ઉમેરાય તો એમનો વિકાસ વિસ્તરશે અને તેઓ જે કરવા ઇચ્છતા હશે એ કરી શકશે.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનને ટાંકતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (એનઇપી)નો ઉદ્દેશ ડૉ. રાધાકૃષ્ણનના શિક્ષણના એ સ્વપ્નને પરિપૂર્ણ કરવાનો છે જેમાં વિદ્યાર્થી મુક્ત થઈને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદાર થવા સમર્થ બને છે. શિક્ષણ વ્યવસ્થા સમગ્ર વિશ્વને એકમ ગણીને હાથ ધરાવી જોઇએ પણ શિક્ષણના ભારતીય લક્ષણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ.
ઉભરતા આત્મનિર્ભર ભારતમાં કુશળતા માટે વધતી જતી માગ વિશે વાત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે ભારતને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઑફ થિંગ્સ, બિગ ડેટા, થ્રી ડી પ્રિન્ટિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી અને રોબોટિક્સ, મોબાઇલ ટેકનોલોજી, જિઓ-ઇનફોર્મેટિક્સ, સ્માર્ટ હેલ્થ કૅર અને સંરક્ષણ ક્ષેત્રમાં ભાવિ કેન્દ્ર તરીકે જોવાઇ રહ્યું છે. કુશળતાની જરૂરિયાતને પહોંચી વળવા માટે દેશના ત્રણ મોટા મહાનગરોમાં ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ્સ ઑફ સ્કિલ્સની સ્થાપના થઈ રહી છે.
મુંબઈમાં ઇન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ સ્કિલ્સનો પહેલો બૅચ શરૂ થઈ ચૂક્યો છે. 2018માં નાસ્કોમ સાથે ફ્યુચર સ્કિલ્સ પહેલની શરૂઆત કરાઇ હતી એવી માહિતી પ્રધાનમંત્રીએ આપી હતી. તેમણે કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે તમામ યુનિવર્સિટીઓ મલ્ટી-ડિસિપ્લિનરી બનવી જોઇએ કેમ કે અમે વિદ્યાર્થીઓને સ્થિતિસ્થાપકતા આપવા માગીએ છીએ. તેમણે ઉપકુલપતિઓને આ લક્ષ્ય માટે કાર્ય કરવાની હાકલ કરી હતી.
તમામ માટે સમાન અધિકારો અને સમાન તક માટે બાબાસાહેબની ખાતરી અંગે શ્રી મોદીએ છણાવટ કરી હતી. પ્રધાનમંત્રી ભાર મૂક્યો હતો કે જનધન ખાતા જેવી યોજનાઓ દરેક વ્યક્તિના નાણાકીય સમાવેશ તરફ આગળ વધી છે અને ડીબીટી મારફત નાણા સીધા એમનાં ખાતામાં પહોંચી રહ્યા છે.
ડૉ. આંબેડકરના સંદેશને દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે દેશની કટિબદ્ધતાને પ્રધાનમંત્રી દોહરાવી હતી, બાબાસાહેબના જીવન સંબંધી મુખ્ય સ્થળોને પંચતીર્થ તરીકે વિક્સાવવા એ આ દિશામાં એક પગલું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જલ જીવન મિશન, મફત આવાસ, મફત વીજળી, મહામારી દરમ્યાન ટેકો અને મહિલા સશક્તિકરણ માટેની પહેલો જેવાં પગલાંઓ બાબાસાહેબનાં સ્વપ્નને આગળ લઈ જઈ રહ્યા છે.
પ્રધાનમંત્રીએ શ્રી કિશોર મકવાણાએ લખેલ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરનાં જીવન પર આધારિત નિમ્ન લિખિત ચાર પુસ્તકોનું વિમોચન કર્યું હતું.
ડૉ. આંબેડકર જીવન દર્શન, ડૉ. આંબેડકર વ્યક્તિ દર્શન, ડૉ.આંબેડકર રાષ્ટ્ર દર્શન અને ડૉ. આંબેડકર આયામ દર્શન
પ્રધાનમંત્રીએ કહ્યું કે આ પુસ્તકો આધુનિક સાહિત્યથી સહેજે કમ નથી અને બાબાસાહેબની સાર્વત્રિક દ્રષ્ટિનું નિરૂપણ કરે છે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે આવા પુસ્તકો કૉલેજો અને યુનિવર્સિટીઓમાં વિદ્યાર્થીઓ દ્વારા વ્યાપક રીતે વંચાશે.