ભારતના સૌથી મોટા લાઈટ અને સાઉન્ડ શોનુ લોકાર્પણ અંબાજીમાં કરાશે

૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ: અંબાજી ખાતે ૮મી એપ્રિલના રોજ પરિક્રમાનો પ્રારંભ થશે
(માહિતી બ્યુરો, પાલનપુર) વિશ્વ પ્રસિદ્ઘ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા. ૮, ૯ અને ૧૦ એપ્રિલ ૨૦૨૨ ના રોજ યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના સુચારું આયોજન માટે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ સાથે કલેકટર બનાસકાંઠા શ્રી આનંદ પટેલ ના અધ્યક્ષપદે કલેકટર કચેરી સભાખંડમાં બેઠક યોજાઇ હતી.
આ બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે, દર વર્ષે અંબાજી ખાતે યોજાતા ભાદરવી પૂનમના મેળાની જેમ જ પ્રતિવર્ષ ૫૧ શક્તિપીઠ પરિક્રમાનું આયોજન કરવામાં આવશે. જગત જનની મા જગદંબા ના સાનિધ્યમાં યોજાનાર આ પરિક્રમા મહોત્સવ ભારતીય સંસ્કૃતિ અને પરાપૂર્વથી ચાલી આવતી શક્તિ પૂજાની પરંપરાને ઉજાગર કરે છે. આ પરિક્રમાનો લાભ લેવા તેમણે દરેક વર્ગના શ્રદ્ધાળુઓને અપીલ કરી હતી.
આ પરિક્રમા મહોત્સવમાં વધુમાં વધુ લોકો જાેડાય અને દર્શનનો લાભ તે માટે બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં કુલ પાંચ “શક્તિ રથ” દ્વારા લોકોને માહિતગાર કરી રહ્યા છે. આ પરિક્રમા મહોત્સવના આયોજન માટે વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે.
બેઠકમાં સંબંધિત સમિતિઓના અધિકારીશ્રીઓને સોંપવામાં આવેલ કામગીરી અને આયોજન અંગે સમીક્ષા કરવામાં આવી હતી અને પરિક્રમા મહોત્સવ અંગેની સમગ્ર કામગીરી સારી રીતે થાય તે માટે અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ કલેક્ટર શ્રી આનંદ પટેલે આપી હતી. આ બેઠકમાં શ્રી એ. ટી. પટેલ અધિક નિવાસી કલેકટર, શ્રી આર. કે. પટેલ વહીવટદાર શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી તથા સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.