ભારતની આતુરતાનો અંત : ફ્રાંસથી પાંચ રાફેલ જેટ વિમાન અંબાલા એરબેઝ પહોંચ્યા
નવી દિલ્હી: ભારતીય વાયુસેનાનો લાંબો ઈંતેજાર આજે ખતમ થયો છે. ઘણા લાંબા સમયથી જે ફાઈટર પ્લેનની રાહ જાેવાતી હતી તે રાફેલ જેટ વિમાન આજે ભારતને મળી ગયું છે. ફ્રાન્સ સાથે થયેલા સોદા મુજબ રાફેલ ફાઈટર પ્લેનની પહેલી ડિલીવરી હરિયાણાના અંબાલા એરબેઝ થઈ છે. આ ૫ રાફેલ જેટને રિસીવ કરવા માટે એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા અંબાલા એરબેઝ પર ઉપસ્થિત છે. સુરક્ષાને જાેતાં અંબાલામાં કલમ ૧૪૪ની કલમ લાગુ કરી દેવામાં આવી છે. યુએઈથી જ્યારે રાફેલે ઉડાન ભરી તો થોડીવાર બાદ ભારતીય વાયુસીમામાં પ્રવેશ કર્યાે હતો. જ્યારે આ પ્લેન અરબ સાગરથી પસાર થયા તો આઈએનએસ કોલકાતાના કન્ટ્રોલ રૂમથી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન આઈએનએસ કોલકાતા કન્ટ્રોલ રૂમની અંદરથી કહેવામાં આવ્યું કે, ઈન્ડિયન નેવલ ડેલ્ટા ૬૩ એરો લીડર. મે યૂ ટચ ધ સ્કાય વિથ ગ્લોરી, હેપ્પી હન્ટિંગ, હેપ્પી લેન્ડિંગ.
રાફેલ અત્યાધુનિક હથિયારોથી સજ્જ છે. પ્લેનની સાથે મેટેઅર મિસાઈલ પણ છે. પ્લેનમાં ફ્યૂઅલ ક્ષમતા ૧૭,૦૦૦ કિલોગ્રામ છે. પહેલા નક્કી કરવામાં આવ્યું હતું કે રાફેલને ટ્રાયલ માટે સ્પાઈસ ૨૦૦૦ બોમ્બની જરૂર પડી શકે છે. તેથી તેની ડિલીવરીમાં વિલંબ થયો.
રાફેલ ફ્રાન્સની કંપની ડસોલ્ટ એવિએશન નિર્મિત બે એન્જિનવાળું મધ્યમ મલ્ટી-રોલ કોમ્બેટ એરક્રાફ્ટ (એમએમઆરસીએ) છે. રાફેલ ફાઈટર પ્લેનોને ઓમનિરોલ પ્લેનોના રૂપમાં રાખવામાં આવ્યાં છે. જે યુદ્ધમાં અગત્યની ભૂમિકા ભજવવામાં સક્ષમ છે. તે પોતાનું કામ સચોટપણે કરી શકે છે. વાયુ વર્ચસ્વ, હવાઈ હુમલા, ભારે હુમલા અને પરમાણુ પ્રતિરોધ, જમીનથી સમર્થન કુલ મળીને રાફેલ પ્લેનોને વૈશ્વિક સ્તરે સૌથી વધુ સક્ષમ ફાઈટર પ્લેન માનવામાં આવે છે.