ભારતની સ્થિતિથી નિરાશઃ હવે ક્રાંતિ જ એકમાત્ર રસ્તો : માર્કન્ડેય કાત્જુ
નવીદિલ્હી: સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ માર્કન્ડેય કાત્જુએ દેશની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, ભારતમાં જે બની રહ્યું છે તેનાથી હું નિરાશ છું. આ સ્થિતિમાંથી નીકળવા માટે ક્રાંતિ જ એકમાત્ર રસ્તો છે. જાેકે તેની સંભાવના નથી દેખાઈ રહી.
માર્કન્ડેય કાત્જુએ લખ્યું હતું કે, ભારતમાં જે બની રહ્યું છે તેનાથી હું બિલકુલ નિરાશ છું. આપણું રાજકારણ સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. આપણું અર્થતંત્ર ચીમળાઈ ગયું છે. બેરોજગારી અને મોંઘવારી વધી છે. મોટા ભાગના લોકો જાતિવાદ અને સાંપ્રદાયિકતામાં ડૂબેલા છે. ક્રાંતિ જ એકમાત્ર રસ્તો છે પરંતુ ક્રાંતિની કોઈ સંભાવના નથી દેખાઈ રહી.
કાત્જુ સતત દેશની સ્થિતિને લઈ સવાલો કરતા રહે છે. તાજેતરમાં તેમણે એક લેખમાં લખ્યું હતું કે, દેશની જનતા પેટ ભરવા માટે સંઘર્ષ કરી રહી છે. વધુમાં લખ્યું હતું કે, મીડિયાના કેટલાક વર્ગોએ જે રીતે આ મુદ્દો ઉજાગર કર્યો, તેનાથી લાગે છે કે, પેગાસસ કેસ સ્વર્ગમાંથી ઉતરી આવ્યો છે. સત્ય એ છે કે, ભારતમાં સામાન્ય માણસ પોતાનું અને પોતાના પરિવારનું પેટ ભરવા માટે સંઘર્ષ કરી રહ્યો છે અને તેને પેગાસસની ભાગ્યે જ કોઈ ચિંતા છે.
કેટલાક લોકો એવું માને છે કે, પેગાસસ કેસનો અર્થ ભારતમાં લોકશાહીના અંત સાથે છે કારણ કે હવે અભિવ્યક્તિની સ્વતંત્રતા નહીં રહે. પરંતુ ભારતીય લોકશાહી મોટા પાયે જાતીય અને સાંપ્રદાયિક વોટબેન્ક હતી. બીજા શબ્દોમાં લોકશાહીનું નાટક. જ્યારે કોઈ વસ્તુનું અસ્તિત્વ જ નથી તો તે ખતમ કઈ રીતે થશે? તે સિવાય ભારતમાં મોટા ભાગના લોકો નોકરી, પૌષ્ટિક ભોજન અને સ્વાસ્થ્ય સંબંધી દેખભાળ વગેરે ઈચ્છે છે. બોલવાની આઝાદી ભાગ્યે જ તેમના માટે મહત્વની છે.