ભારતને પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવામાં રોજગારની ચાવીરુપ ભૂમિકા
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુએ જણાવ્યું છે કે, બજારની જરુરિયાત પ્રમાણે રોજગારીની તકો વિપુલ પ્રમાણમાં ઉભી થાય તે માટે શિક્ષણ અને તાલીમ સહિત અનેકવિધ પગલાં સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે.વધુમાં તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતને પાંચ ટ્રિલિયન ડોલર્સની ઈકોનોમી બનાવવાનું સ્વપ્ન સેવ્યુ છે તેમાં રોજગારીના સર્જનની મહત્વની ભૂમિકા છે.
બાવળા ખાતે અમદાવાદ રોજગાર કચેરી, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને માહિતી કચેરીના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી સપ્તાહનો શુભાંરભ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અરુણ મહેશ બાબુએ કર્યો હતો. ૧૧ સપ્ટેમ્બર થી ૧૭ સપ્ટેમ્બર દરમિયાન રોજગારીની વિવિધ તકો અને સંલગ્ન બાબતોની જાગૃતિ કેળવવા સેમિનારોનું આયોજન રોજગાર કચેરી, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ આર્થિક વિકાસની સાથે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર આર્થિક વિકાસની સાથે શિક્ષણ, પોષણ અને આરોગ્ય સહિત અનેક બાબતોમાં વિશેષ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે તેની વિસ્તૃત જાણકારી આપી હતી.
આ તબક્કે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સ્વવિકાસ માટે શિક્ષણ ખબૂ જરુરી હોઈ દીકરો કે દીકરી અધવચ્ચેથી શિક્ષણ ન છોડી દે તેની ખાસ કાળજી રાખવા અપીલ કરી હતી. અમદાવાદ જિલ્લાના રોજગાર વિભાગના મદદનીશ નિયામક શ્રી એસ.આર.વિજયવર્ગીયએ ગુજરાત સરકારના રોજગાર વિભાગની કામગીરીની રુપરેખા આપી. તેમણે ૧૦૦થી વધુ જુદા-જુદા વ્યવસાયોમાં કારકિર્દી વિકાસની કેવી તકો રહેલી છે તેની વાત કરી. તો બીજી તરફ વ્યવસાય માર્ગદર્શન અધિકારીશ્રી કુસુમબહેન ઘાંચીએ કારકિર્દી પસંદગીમાં સાયકોમેટ્રિક ટૅસ્ટનું મહત્વ સમજાવ્યું હતું.
‘’કારકિર્દી આયોજન સપ્તાહ’ અંતર્ગત ધોરણ નવ થી બારના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે નિબંધ તેમજ વક્તૃત્વ સ્પર્ધા પણ યોજવામાં આવી છે.