ભારતને ફેબ્રુઆરી સુધીમાં મળી શકે છે કોરોના વેક્સીનની પહેલી ખેપ
નવી દિલ્હી, દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસ સંક્રમણની વચ્ચે સારા સમાચાર આવ્યા છે. ભારતમાં ઓક્સફર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સીનને ઇમરજન્સી મંજૂરી મળી શકે છે. તેની પહેલી ખેપ જાન્યુઆરી કે ફેબ્રુઆરી સુધી દેશમાં ઉપલબ્ધ થઈ શકે છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકાની આ વેક્સીનને ભારતમાં પુણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ તૈયાર કરી રહી છે. હાલમાં આ વેક્સીનનું ભારત સહિત દુનિયાના લગભગ 30 દેશોમાં ત્રીજા અને ચોથા ચરણનું ટ્રાયલ ચાલી રહ્યું છે.
આવતા વર્ષના શરૂઆતમાં વેક્સીન ઉપલબ્ધ! – નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૉલના જણાવ્યા મુજબ, એસ્ટ્રાજેનેકાને જો બ્રિટનમાં વેક્સીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળે છે તો ભારતમાં પણ તેની પર વિચાર કરવામાં આવશે. તેઓએ કહ્યું કે જો આવું થાય છે તો ભારતમાં આવતા વર્ષની શરૂઆતમાં વેક્સીન ઉપલબ્ધ હશે. ભારતમાં આ સંભવિત વેક્સીનનું ત્રીજા ચરણનું ટ્રાયલ પૂરું થતાં પહેલા મંજૂરી મળે છે તો સૌથી પહેલા તેને હેલ્થ વર્કર્સ જેમ કે ડૉક્ટર્સ, નર્સ અને અન્ય ફ્રન્ટલાઇન વર્કર્સને આ વેક્સીન આપવામાં આવશે.