ભારતનો પીએમ ઓરાકાંડીમાં આવશે ક્યારેય કોઈએ વિચાર્યું હતું :મોદી
ઢાકા:પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના બાંગ્લાદેશના પ્રવાસ પર છે. શનિવારે ઓરાકાંડીના મતુઆ સમુદાયના મંદિરમાં પહોંચ્યા હતા. આ મંદિરમાં તેમણે પૂજા અર્ચના કરી હતી. નોંધનીય છે કે આ મંદિર મતુઆ સમાજના સંસ્થાપક હરિશ્ચંદ્ર ઠાકુરનું જન્મસ્થળ છે.
પીએમ મોદીએ મંદિરમાં દર્શન બાદ સંબોધન પણ કર્યું હતું. તેમણે કહ્યું કે હું કેટલાય વર્ષોથી આ અવસરની રાહ જાેઈ રહ્યો હતો. વર્ષ ૨૦૧૫માં જ મેં ઓરાકાંડી જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જે આજે પૂરી થઈ ગઈ. તેમણે એક વ્યક્તિ સાથે વાતચીતનો હવાલો આપતા કહ્યું કે શું ક્યારેય કોઈએ વિચાર્યું હતું કે ભારતનો પીએમ ઓરાકાંડીમાં આવશે.
પીએમ મોદીએ કહ્યું કે મને યાદ છે કે બંગાળમાં ઠાકુરનગરમાં જ્યારે ગયો હતો ત્યારે મતુઆ ભાઈ બહેનોએ મને પરિવારના સદસ્યોને જેમ જ પ્રેમ આપ્યો હતો. વિશેષ રૂપે બૉરો-માએ એક માતાની જેમ મને આશીર્વાદ આપ્યા તે મારા જીવનના અનમોલ પળ રહ્યા. પીએમ મોદીએ કહ્યું કે બે દેશો વચ્ચે સંબંધો જન-જન અને મનથી મનનો છે.
બાંગ્લાદેશની આઝાદીના ૫૦ વર્ષ પૂર્ણ થવા પર ત્યાં મોટો જશ્ન કરવામાં આવી રહ્યો છે. બાંગ્લાદેશ એક દેશ બન્યો તેમાં ભારતનું પણ સૌથી મોટું યોગદાન રહ્યું છે ત્યારે ભારતના પ્રધાનમંત્રી પણ આ જશ્નમાં સામેલ થવા માટે શેખ હસીનાના આમંત્રણ બાદ ઢાકા પહોંચ્યા છે. બાંગ્લાદેશના પ્રવાસમાં પીએમ મોદીએ મતુઆ સમુદાયના આસ્થાના કેન્દ્ર માનવામાં આવતા મંદિરમાં દર્શન કરીને માતા મહાકાળીની પૂજા અર્ચના કરી હતી.
નોંધનીય છે કે એક તરફ જ્યાં પશ્ચિમ બંગાળમાં ચૂંટણી છે અને આજે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી માટે પ્રથમ ચરણનું મતદાન થઈ રહ્યું છે ત્યારે એવામાં પીએમ મોદીના આ પ્રવાસથી અસર સીધી જ બંગાળમાં પણ પડશે એવું માનવામાં આવી રહ્યું છે. બંગાળમાં ૨ કરોડથી વધારે મતુઆ સમાજના લોકો રહે છે અને તેથી તેમના વોટ ખૂબ જ મહત્વના માનવામાં આવે છે.