ભારતભરમાં જુલાઈ મહિનામાં કોરોનાના છ લાખ કેસ નોંધાયા
નવી દિલ્હી, ભારતમાં જુલાઈ મહિનામાં કોરોના વાયરસના રેકોર્ડ કેસ સામે આવ્યા છે. આ મહિનામાં અત્યારસુધીમાં કોરોનાના ૬ લાખ કેસ નોંધાયા છે, જે છેલ્લા તમામ મહિનાઓના કુલ કેસ કરતાં વધારે છે. મંગળવાર સુધીમાં જ જુલાઈમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યા ૬ લાખ કરતાં વધારે થઈ ગઈ હતી, જેની સરખામણીમાં ૩૦ જૂન સુધીમાં ભારતમાં આ વૈશ્વિક મહામારીના પીડિતોની કુલ સંખ્યા ૫.૯ લાખ હતી. આ મહિનામાં કોરોનાના કારણે ૧૧ હજાર દર્દીઓના મોત થયા છે. આ સંખ્યા આ બીમારીથી અત્યારસુધીમાં મૃત્યુ પામનારાના કુલ ૪૦ ટકા છે.
કોરોનાના કારણે મંગળવારે દેશમાં ૬૭૦ લોકોએ જીવ ગુમાવ્યો હચો. આ સાથે જ ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનારની કુસ સંખ્યા ૨૮,૭૨૩ થઈ ગઈ છે. કોરોનાથી મૃત્યુઆંકના મામલે ભારત દુનિયામાં સાતમાં નંબરે પહોંચી ગયું છે. દેશે સ્પેનને પાછળ છોડી દીધું છે, જ્યાં કોરોનાનો મૃત્યુઆંક ૨૮,૪૨૨ છે. મંગળવારે દેશમાં કોરોનાના નવા ૩૮,૪૪૪ કેસ નોંધાયા હતા, જે રવિવારે નોંધાયેલા ૪૦ હજાર કેસ પ્રમાણે એક દિવસમાં સામે આવેલા નવા કેસનો સૌથી બીજો મોટો આંકડો છે. આ સાથે જ કોવિડ-૧૯ના કુલ સંક્રમિતોની સંખ્યા ભારતમાં ૧૧.૯ લાખ થઈ ગઈ છે, જેમાંથી ૭.૫ લાખ લોકો ઠીક થયા છે જ્યારે ૪.૧ લાખ એક્ટિવ કેસ છે.
ગુજરાતમાં પહેલીવાર એક દિવસમાં દર્દીઓની સંખ્યા ૧ હજારને પાર પહોંચી ગઈ તો બીજી તરફ રાજસ્થાનમાં એક દિવસમાં સૌથી વધારે ૯૮૩ કેસ સામે આવ્યા છે. તો ત્રિપુરામાં મંગળવારે ૨૦૨ નવા કેસ નોંધાયા હતા. આ સિવાય તમિલનાડુમાં ૪,૯૬૫, આંધ્રપ્રદેશમાં ૪,૯૪૪, ઉત્તરપ્રદેશમાં ૨,૧૫૨, મધ્યપ્રદેશમાં ૭૮૫ અને પંજાબમાં ૩૮૧ નવા કેસ નોંધાયા હતા. દિલ્હીમાં મંગળવારે ફરી એકવાર નવા દર્દીઓની સંખ્યા વધી છે. સોમવારે નવા દર્દીઓની સંખ્યા ૧ હજાર કરતાં ઓછી હતી. પરંતુ મંગળવારે તેમાં વધારો થયો. આ દિવસે ૧,૩૪૯ નવા કેસ નોંધાયા, તો બીજી તરફ ૨૭ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
રાજ્યમાં સતત છઠ્ઠા દિવસે ૮ હજાર કરતાં વધુ નવા કેસ સામે આવ્યા, હવે નવા કેસ અર્ધ-શહેરી વિસ્તારમાંથી સામે આવી રહ્યા છે. મંગળવારે રાજ્યમાં ૮,૩૬૯ કેસ નોંધાયા હતા, આ સાથે ત્યાંના કુલ કેસ ૩,૨૭,૦૩૧ થયા છે. જેમાંથી માત્ર ૯૯૨ અથવા ૧૨ ટકા કેસ મુંબઈના છે. મુંબઈ માટે રાહતની વાત એ છે કે, છેલ્લા એક મહિનામાં પાંચમી વખત રોજના કેસની સંખ્યા ૧ હજાર કરતાં ઓછી છે. મંગળવારે કુલ ૯૯૨ કેસ સામે આવ્યા હતા, જે છેલ્લા સાત દિવસની સરખામણીમાં સૌથી ઓછા છે. મુંબઈમાં દર્દીઓની કુલ સંખ્યા ૧,૦૩,૩૬૮ થઈ ગઈ છે. આંધ્રપ્રદેશમાં કોવિડ ૧૯ના કારણે વધુ ૬૨ દર્દીઓના મૃત્યુ નોંધાયા છે, જે એક દિવસમાં સૌથી વધારે છે.
આ સિવાય મંગળવારે ત્યાં ૪,૯૪૪ નવા કેસ નોંધાયા હતા. કુલ ૫૮,૬૬૮ કેસોની સાથે આંધપ્રદેશ મહારાષ્ટ્ર, તમિલનાડુ, દિલ્હી અને કર્ણાટક બાદ દેશનું પાંચમું કોરોના હોટસ્પોટ રાજ્ય બની ગયું છે. તમિલનાડુમાં મંગળવારે કોવિડ-૧૯ના નવા ૪,૯૬૫ કેસ નોંધાયા હતા, જ્યારે ૭૫ દર્દીઓ મૃત્યુ પામ્યા હતા તો બીજી તરફ ૫૦,૦૫૫ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. હવે, રાજ્યનો મૃત્યુઆંક ૨,૬૨૬ છે અને કુલ કેસની સંખ્યા ૧,૮૦,૬૪૩ છે. જેમાંથી ૪,૮૯૪ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે ૫૧,૩૪૪ એક્ટિવ કેસ છે. રાજસ્થાનની વાત કરીએ તો જ્યાં સરકારે મૃત્યુઆંક ઘટાડવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે, ત્યાં ૧૦ જિલ્લાઓમાં કોવિડ-૧૯નો મૃત્યુદર ૮૦ ટકા છે, જે ચિંતાનું કારણ બન્યું છે.
આરોગ્ય વિભાગે મૃત્યુઆંક ઘટાડવા માટે ઝડપથી ટેસ્ટિંગ કર્યું હોવા છતાં કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મંગળવારે રાજ્યમાં એક દિવસમાં સૌથી વધારે ૯૮૩ કેસ નોંધાયા હતા, આ સાથે ત્યાંના કુલ કેસ ૩૧,૩૭૩ થઈ ગયા છે.