ભારતમાં આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે
હોંગકોંગ, ઇરાનની સત્તાની સૌથી તાકાતવર વ્યક્તિઓમાં સામેલ જનરલ કાસિમ સુલેમાની ઇરાકમાં એક અમેરિકી હુમલામાં મોતને ભેટ્યો છે. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો. ખાસકરીને એશિયાઇ વ્યાપારિક બજારમાં ઓઇલના ભાવમાં વધારો આવ્યો છે. બગદાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અમેરિકી હેલીકોપ્ટરના હુમલામાં જનરલ કાસિમ સુલેમાનીનું મોત થયું છે.
સ્પુતનિકના અનુસાર, એશિયન માર્કેટ્સમાં કારોબારી કલાકો દરમિયાન બ્રેંટ ક્રૂડ ૧.૩૧ ટકા વધીને ૬૭.૧૨ ડોલર પ્રતિ બેરલ થઇ ગયું, જ્યારે યૂએસ ક્રૂડ ૧.૨૪ ટકા ઉછાળા સાથે ૬૧.૯૪ અમેરિકન ડોલર પ્રતિ બેરલ થઇ ગયો છે. અમેરિકાએ પુષ્ટિ કરી છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના આદેશ પર કરવામાં આવેલી રક્ષાત્મક કાર્યવાહીમાં સુલેમાનીને મારવામાં આવ્યો છે. આ અધિકારીઓ અને દેશના ટેલીવિઝને જણાવ્યું કે સુલેમાની ઉપરાંત બગદાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અમેરિકન હવાઇ હુમલામાં કમાન્ડર અબૂ મહદી અલ-મુહાંદિસ અને અન્ય પાંચને મારવામાં આવ્યા હતા.