ભારતમાં ઈસ્લામિક સ્ટેટનો પ્રસાર કરવા મોટા શહેરોની મહિલાઓ સક્રિય: NIA
નવી દિલ્હી, નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સીએ સ્ફોટક ખુલાસો કરીને કહયુ છે કે, ભારતમાં હવે ઈસ્લામિક સ્ટેટને સક્રિય રાખવાની જવાબદારી મહિલાઓએ ઉઠાવી લીધી છે. ઈસ્લામિક સ્ટેટની કમાન હાલમાં મેટ્રો શહેરોમાં રહેતી મહિલાઓના હાથમાં છે.જે સોશ્યલ મીડિયા થકી આઈએસની વિચાર ધારાનો પ્રચાર પ્રસાર કરી રહી છે.એટલુ જ નહી હુમલા કરવા માટે વિસ્ફટકો એકઠા કરવાની કવાય પણ કરી રહી છે.
નેશનલ ઈન્વેસ્ટિગેટિવ એજન્સી દ્વારા પૂણેમાં સાદિયા શેખ નામની યુવતીની ધરપકડ કરવામાં આવી છે.એવુ કહેવાય છે કે, સાદિયા કટ્ટરપંથી વિચારધારા સાથે જોડાયેલી છે અને તે કાશ્મીરના આતંકી ઝાકીર મૂસાને પરણવા માટે કાશ્મીર પહોંચી ગઈ હતી. જમ્મુ કાશ્મીર પોલીસે તેને 2018માં પકડી હતી અને બાદમાં તેને સમજાવીને છોડી મુકી હતી.બાદમાં સાદિયાએ ઈસ્લામિક સ્ટેટ સાથે છેડો જોડી લીધો હતો.
આ પહેલા પોલીસે પકડાયેલી આઈએસ સાથે જોડાયેલી હિના બશીર અને જહાન સામીની પૂછપરછમાં પણ સાદિયા સાથે જોડાયેલી વિગતો સપાટી પર આવી છે.સાદિયા આ બંને સાથે તેમજ તિહાડ જેલમાં બંધ આતંકી અબ્દુલ્લા બાશિત સાથે સોશ્યલ મીડિયા થકી સંપર્કમાં હતી.અબ્દુલા બાશિત જેલમાંથી એક મેગેઝિન કાઢતો હતો.જેમાં સીએએના વિરોધના નામે ભડકાઉ કન્ટેન્ટ પ્રકાશિત કરાતુ હતુ.