ભારતમાં ઓક્ટોબર સુધીમાં કોરોનાની ત્રીજી લહેર આવશે
નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેર માંડ શાંત પડી છે ત્યાં ત્રીજી લહેરની આશંકાએ જાેર પકડ્યું છે. કોરોનાની ત્રીજી લહેર સામે લડવા તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે. કેટલાક મેડિકલ નિષ્ણાતોએ ભારતમાં ઓક્ટોબર સુધી મહામારીની ત્રીજી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરી છે. એક સર્વે મુજબ નિષ્ણાતોએ એમ પણ જણાવ્યું છે કે ભારત ત્રીજી લહેરનો સામનો બીજી લહેર કરતા વધુ સારી રીતે કરશે. એક અંદાજ મુજબ કોરોના મહામારી ઓછામાં ઓછી એક વર્ષ સુધી જાહેર આરોગ્ય માટે ચિંતાજનક બની રહેશે.
વિશ્વભરના ૪૦ હેલ્થકેર નિષ્ણાતો, ડોક્ટર, વિજ્ઞાનીઓ, વાયરોલોજિસ્ટ અને મહામારી નિષ્ણાતોને આ સર્વેમાં સામેલ કરવામાં આવ્યા હતા. ૩-૧૭ જૂન વચ્ચે કરાયેલા સર્વેમાં ૮૫ ટકા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે, ૨૪ પૈકી ૨૧ લોકોએ ત્રીજી લહેર ઓક્ટોબર સુધીમાં આવશે તેવી સંભાવના વ્યક્ત કરી હતી. ત્રણ નિષ્ણાતોએ ઓગસ્ટ સુધીમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની શક્યતા વ્યક્ત કરી હતી. ૧૨ના મતે સપ્ટેમ્બરના શરૂઆતમાં કોવિડ ૧૯ની ત્રીજી લહેર આવી શકે છે. અન્ય લોકોએ કહ્યું કે ત્રીજી લહેર નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીમાં આવી શકે છે.
૩૪ પૈકી ૨૪ નિષ્ણાતોએ જણાવ્યું કે ભારત બીજી લહેરની તુલનાએ ત્રીજી લહેરમાં વધુ સારી રીતે લડી શકશે. ભારતમાં બીજી લહેરની પીક એપ્રિલ-મેમાં આવી હતી. આ ગાળામાં ૨૪ કલાકમાં ચાર લાખથી વધુ રેકોર્ડ કેસ નોંધાયા હતા. આ ગાળામાં ઈન્જેક્શન, ઓક્સિજન અને દવાઓની ભારે અછત સર્જાઈ હતી.
એઈમ્સના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું કે, ત્રીજી લહેર નિયંત્રિત રહેશે કારણ કે રસીકરણ વેગવાન કરાયું છે. જેને પગલે સંક્રમિત દર્દીઓની સંખ્યા ઓછી રહેશે. આ લહેરથી કેટલીક હદે પ્રાકૃતિક ઈમ્યુનિટી આવશે. બાળકોમાં ત્રીજી લહેરથી જાેખમ અંગે નિષ્ણાતોમાં મતભેદ જણાયો હતો. ૪૦ પૈકી ૨૬એ જણાવ્યું કે, બાળકો ઉપર કોરોનાની ત્રીજી લહેરનું વધુ જાેખમ રહેશે જ્યારે ૧૪એ જણાવ્યું કે આવું કંઈ નહીં થાય.