ભારતમાં ઓક્સફોર્ડની કોરોના વેક્સિનની ટ્રાયલ 1 અઠવાડિયા માટે ટાળી દેવાઈ
નવી દિલ્હી, કોરોના વાયરસની રસી પરીક્ષણો વિશ્વભરમાં ચાલુ છે. તમામ રસીઓમાં સૌથી વધુ અપેક્ષા ઓક્સફર્ડ રસીથી કરવામાં આવી રહી છે. વિશ્વના ઘણા દેશોમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પરીક્ષણો ચાલી રહ્યા છે. આ રસીનું ક્લિનિકલ ટ્રાયલ ભારતમાં થવાનું છે, પરંતુ ચંદીગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (PGIMER) ખાતે યોજાનારી આ રસીની ટ્રાયલ એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. આ ટ્રાયલ સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં શરૂ કરવાની હતી.
આ અઠવાડિયાના વિલંબ પાછળ સુરક્ષાના કેટલાક કારણો ટાંકવામાં આવી રહ્યા છે. ડેટા સેફ્ટી મોનિટરિંગ બોર્ડ (DSMB) એ ન્યૂઝ એજન્સીને માહિતી આપી હતી કે સેફ્ટી એપ્રુવલના અભાવે ટ્રાયલ એક અઠવાડિયા માટે મુલતવી રાખવામાં આવી છે. આ અજમાયશ માટે 100 લોકોની પસંદગી કરવામાં આવી છે.
ટ્રાયલમાં મોડું થવાને કારણે વધુ સ્વયંસેવકોની ભરતી બંધ કરી દેવામાં આવી છે. અત્યારે 400 લોકોએ પોતાના પર ટ્રાયલ માટે નોંધણી કરાવી ચૂક્યા છે. જેમાં 253 લોકોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવશે. PGIMERમાં વેકસીન ટ્રાયલ શિડ્યુલના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર પ્રોફેસર મધુ ગુપ્તાએ જણાવ્યું હતું કે, હાલના તબક્કે ઓક્સફર્ડ વેકસીનની ટ્રાયલ માટે સ્વયંસેવકોની ભરતીને અટકાવી દેવામાં આવી છે, કેમ કે પહેલા 100 સ્વયંસેવકોની સુરક્ષા માટે અમને ડેટા સેફ્ટી મોનિટરિંગ બોર્ડ દ્વારા મંજૂરી આપવામાં આવે તેની રાહ જોવાઈ રહી છે.