ભારતમાં ઓમિક્રોનનું કમ્યુનિટી ટ્રાન્સમિશન શરુ

નવી દિલ્હી. ઓમિક્રોન વેરિઅન્ટના કમ્યુનિટી સ્પ્રેડને લીધે ભારતમાં કોવિડ-19ના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમ્યાન, ઓમિક્રોનના શોધાયેલા નવા સબ-વેરિઅન્ટ જેને બીએ.2 કહેવામાં આવે છે, યુરોપીય અને એશિયાઈ દેશોમાં એક ઘાતક વાયરસ સ્ટ્રેન તરીકે ઉભરી આવ્યો છે, જેણે ભવિષ્યમાં મહામારીની લહેરો અંગે ડરનો માહોલ પેદા કર્યો છે.
યુકે સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીએ આ મહિનાના પહેલા દસ દિવસોમાં બ્રિટનમાં 426 કેસની ઓળખ કરી છે અને એ સંકેત આપ્યો છે કે લગભગ 40 અન્ય દેશોમાં પણ નવા વેરિઅન્ટ બીએ.2 વિશે જાણકારી મળી છે. એટલું જ નહીં, ભારત, ડેનમાર્ક અને સ્વીડન સહિત કેટલાક દેશોમાં હાલ મોટાભાગના કોવિડ-19 કેસ માટે આ જ બીએ.2 વેરિઅન્ટ જવાબદાર છે.
આ રિપોર્ટ એવા સમયે આવી છે, જ્યારે કોલકાતામાં આવનારા 80 ટકા કેસમાં ઓમિક્રોન વેરિઅન્ટના BA.2ની ઓળખ કરવામાં આવી છે. 22થી 28 ડિસેમ્બર વચ્ચે જીનોમ સિકવન્સિંગ માટે સેમ્પલ્સ મોકલવામાં આવ્યા હતા અને તેમાંથી લગભગ 80 ટકા બીએ.2 પોઝિટીવ હોવાનું માલૂમ પડ્યું, જેમનું સીટી સ્તર 30થી નીચે હતું, જે હાઈ વાયરલ લોડ દર્શાવે છે.