Western Times News

Gujarati News

ભારતમાં કામ કરતી મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે શરમસંકોચ અને ખોટી ધારણાઓનો સામનો કરવો પડે છે

પ્રતિકાત્મક

ઇન્ડિયન વિમેન્સ હેલ્થ રિપોર્ટ 2021માં ખુલાસોઃ સમગ્ર ભારતમાં વ્હાઇટ-કોલર જૉબ્સમાં મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને કારણે પૂર્વગ્રહો, શરમસંકોચ અને ખોટી ધારણાઓનો સામનો કરવો પડે છે

એમ્ક્યોર ફાર્માસ્યુટિકલ્સ દ્વારા હાથ ધરવામાં આવેલો અભ્યાસ ‘ધ ઇન્ડિયન વિમેન્સ હેલ્થ રિપોર્ટ 2021’માં 7 શહેરો (બેંગલોર, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને પૂણે)માં વ્હાઇટ કોલર જૉબ્સમાં 25થી 55 વર્ષની વયજૂથમાં કાર્યરત વર્કિંગ વિમેનનો સર્વે કરવામાં આવ્યો હતો,

જેમાં ખુલાસો થયો છે કે, સામાજિક શરમસંકોચ મોટા ભાગની મહિલાઓને તેમની સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાઓ પર વાત કરતા અટકાવે છે

86% વર્કિંગ વિમેને જોયું છે કે, તેમની સાથીદાર/સગાસંબંધી/મિત્રોને વર્કફોર્સમાંથી બહાર કાઢવામાં આવ્યાં છે, તેમાંથી 59%ને મુખ્ય કારણ તરીકે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા જણાવવામાં આવી છે

80% વર્કિંગ વિમેન માને છે કે, જ્યારે મહિલાઓના સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાઓની વાત આવે છે, ત્યારે તેમના પુરુષ સાથીદારો સંવેદનશીલતા ધરાવતા નથી.  67% વર્કિંગ વિમેને જણાવ્યું કે, સમાજ હાલ પણ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પર ચર્ચા કરવામાં શરમસંકોચ અનુભવે છે

પૂણે, 15 સપ્ટેમ્બર, 2021: ધ ઇન્ડિયન વિમેન્સ હેલ્થ રિપોર્ટ 2021માં સાત શહેરોમાં 25થી 55 વર્ષની વયજૂથ ધરાવતી 1000 વર્કિંગ વિમેનનો સર્વે કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, સર્વેમાં સામેલ અડધોઅડધ મહિલાઓ મહિલાઓના સ્વાસ્થ્ય સંબંધિત એક કે વધારે સમસ્યાઓ વિશે વાત કરવામાં પ્રતિકૂળતા અનુભવે છે, જે માટે તેની સાથે સંકળાયેલ સામાજિક શરમસંકોચ જવાબદાર છે.

આ અભ્યાસ એમ્કયોર ફાર્માસ્યુટિકલ્સે ઇપ્સોસ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ (ઇપ્સોસ ઇન્ડિયા) સાથે જોડાણમાં હાથ ધર્યો છે, જેનો ઉદ્દેશ વર્કિંગ વિમેન માટે સામાજિક, સાંસ્કૃતિક અને તબીબી સંભાવનાઓ પર ઉપયોગી જાણકારી મેળવવાનો અને પરિણામે વિવિધ હિતધારકોને સાંકળીને સમાધાનો શોધવાનો છે.

આ સર્વે મારફતે વ્હાઇટ-કોલર જોબ્સમાં કામ કરતી મહિલાઓએ સ્વાસ્થ્ય સાથે સંબંધિત મુદ્દાઓ પર શરમસંકોચ વિશે તથા આ તમામ બાબતો કેવી રીતે સામાજિક દબાણ અને વ્યવસાયિક સમસ્યાઓ તરફ દોરી જાય છે એ વિશે જાણકારી આપી હતી.

મુખ્ય તારણો
90% વર્કિંગ વિમેન પારિવારિક/અંગત અને વ્યવસાયિક જવાબદારીઓ વચ્ચે સંતુલન સ્થાપિત કરવામાં હિતોના ઘર્ષણનો સામનો કરે છે

86% વર્કિંગ વિમેને જોયું છે કે, તેમની સાથીદાર/સગાસંબંધી/મિત્રને વર્કફોર્સમાંથી હાંકી કાઢવામાં આવી છે, એમાંથી 59%ને મુખ્ય કારણ તરીકે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ જણાવવામાં આવી છે

84% વર્કિંગ વિમેનને માસિક ઋતુચક્રના ગાળામાં પરંપરાગત રૂઢિઓનો સામનો કરવે પડે છે, જેમ કે તેમને ધાર્મિક સ્થળો કે રસોડા જેવી જગ્યાઓમાં પ્રવેશ ન કરવાનું કે તેમના સેનિટરી નેપ્કિન સંતાડવાનું કહેવામાં આવે છે

66% વર્કિંગ વિમેન માને છે કે, સમાજ એન્ડોમેટ્રિઓસિસથી પીડિત મહિલાઓને લગ્ન માટે અનુચિત ગણે છે
67% વર્કિંગ વિમેને જણાવ્યું કે, સમાજમાં તેમના સ્વાસ્થ્ય સાથે સંબંધિત સમસ્યાઓ પર ચર્ચા કરવામાં હજુ પણ શરમસંકોચ પ્રવર્તે છે

આ તારણો સૂચવે છે કે, પીસીઓએસ, સ્તન કેન્સર અને એન્ડોમેટ્રિઓસિસ જેવી વધારે જોવા મળતી સમસ્યાઓ પર પણ શરમસંકોચ જોવા મળે છે. આ ભારતમાં મહિલાઓના સ્વાસ્થ્યની વર્તમાન સ્થિતિનો નબળો ચિતાર વ્યક્ત કરે છે.

એમ્ક્યોર ફાર્માસ્યુટિકલ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુશ્રી નમિતા થાપરે કહ્યું હતું કે, “જ્યારે અમે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં મહિલાઓના સ્વાસ્થ્ય સાથે સંબંધિત અમારો યુટ્યુબ શૉ અનકન્ડિશન યોરસેલ્ફ શરૂ કર્યો હતો, ત્યારે અમને અહેસાસ થયો હતો કે, શૉમાં મહિલાઓને બોલાવવી અને તેમના સ્વાસ્થ્ય વિશે વાત કરવી મોટો પડકાર હતો.

એના પગલે અમને અભ્યાસ કરવાની તથા જાગૃતિ અને નિદાન સાથે અમારી પહેલો વધારવાની પ્રેરણા મળી હતી. આપણે કોર્પોરેટ સેક્ટરમાં વર્કફોર્સમાં મહિલાઓને સામેલ કરવામાં પ્રગતિ કરી હોવા છતાં મહિલાઓના સ્વાસ્થ્ય સાથે સંબંધિત મુદ્દાઓ સાથે ખચકાટ જોડાયેલો છે.

અમારા અભ્યાસના તારણો જણાવે છે કે, મહિલાઓના સ્વાસ્થ્ય સાથે સંબંધિત ખોટી ધારણાઓ અને અતાર્કિક સામાજિક ખચકાટો તમામ ક્ષેત્રોમાં વ્હાઇટ કોલર વિમેનને પણ અસર કરે છે.”

સુશ્રી થાપરે કહ્યું હતું કે, “અભ્યાસ સંકેત આપે છે કે, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ ઉપરાંત વિવિધ વ્યવસાયિક અને સામાજિક રીતિરિવાજોનો મહિલાઓને સામનો કરવો પડે છે, જે તેમને શરમજનક સ્થિતિ તરફ દોરી શકે છે અને તેમની વ્યવસાયિક કામગીર પર અસર કરી શકે છે.

આ સમસ્યાઓનું નિદાન અ સમાધાન કરવામાં બેદરકારી, જાણકારીનો અભાવ અને અસ્વીકાર્યતાએ મુશ્કેલીમાં વધારો કર્યો છે. એક જવાબદાર સમાજ તરીકે આ સમસ્યાઓનો સ્વીકાર કરવો અને મુખ્ય પ્રવાહમાં લાવવી જરૂરી છે. મહિલાઓ અસરકારક અવાજ ધરાવે છે અને તેમણે આ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર અવારનવાર બોલવું જોઈએ.”

અભ્યાસમાં જાણકારી મળી છે કે, સર્વેમાં સામેલ થયેલી લગભગ 50 ટકા વર્કિંગ વિમેનમાં વંધ્યત્વ, સ્તનનું કેન્સર અને પીસીઓએસ જેવી સમસ્યાઓનું નિદાન થયું છે અથવા તેઓ આ પ્રકારની બિમારી ધરાવતી અન્ય વર્કિંગ વૂમેનને ઓળખે છે, પણ છતાં તેઓ આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં ખચકાટ અનુભવે છે.

75 ટકા વર્કિંગ વિમેને જણાવ્યું હતું કે, તેમની કંપનીઓએ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું સમાધાન કરવામાં મદદ કરવા વિવિધ પહેલો હાથ ધરી હતી. અભ્યાસમાં જાણકારી મળી હતી કે, તેમાંથી 80 ટકાથી વધારે મહિલાઓ માને છે કે, જ્યારે મહિલાઓની સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની વાત આવે છે, ત્યારે તેમના પુરુષ સાથીદારોમાં સંવેદનશીલતાનો અભાવ જોવા મળે છે.

ઉપરાંત 52 ટકા વર્કિંગ વિમેન કામ સાથે સ્વાસ્થ્યને જાળવવામાં મુશ્કેલી અનુભવે છે. વિવિધ ક્ષેત્રોમાં રિટેલ ક્ષેત્રમાં કામ કરતી મહિલાઓમાં આ સમસ્યા સૌથી વધુ 67 ટકા જોવા મળી હતી.

એમ્ક્યોર ફાર્માસ્યુટિકલ્સનો વર્કિંગ વિમેન માટે સામાજિક, સાંસ્કૃતિક અને તબીબી સંભવિતતા પરના અભ્યાસ માટે ઇપ્સોસ ઇન્ડિયાએ વર્કિંગ વિમેનના સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ તથા સમાજ અને કોર્પોરેટ જગતમાં એની સાથે સંકળાયેલા ચિહ્નો વિશે માહિતી એકત્ર કરી હતી.

આ લેખમાં ટાંકવામાં આવેલા આંકડા એમ્ક્યોર સાથે જોડાણમાં ડિઝાઇન કરેલી માળખાબદ્ધ પ્રશ્રોત્તરી પર 25થી 55 વર્ષની વયજૂથમાં વ્હાઇટ કોલર ભૂમિકાઓમાં 1000 વર્કિંગ વિમેન વચ્ચે ઓનલાઇન સર્વે દ્વારા એકત્ર કરવામાં આવ્યાં હતાં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.