ભારતમાં કુલ ૩,૫૯,૬૭૬ કોરોનાના દર્દીઓએ જીવ ગુમાવ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/corona-8-1024x630.jpg)
નવીદિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરનો કહેર હવે ધીમો પડતો હોય એવું લાગી રહ્યું છે. સંક્રમણના કેસો સતત એક લાખથી વધુ નોંધાતા દેશવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. પરંતુ ગુરુવારે જાહેર થયેલા મૃત્યુના આંકડાઓએ ચિંતા વધારી દીધી. દેશમાં એક જ દિવસમાં ૬,૦૦૦થી વધુ દર્દીઓના મોતનો આંકડો સામે આવ્યો છે. નોંધનીય છે કે આજે જાહેર થયેલા મૃત્યુઆંકમાં બિહારના બેકલોગ ૩૯૫૧ મૃત્યુના આંકડાનો પણ સમાવેશ થાય છે. આમ, એક જ દિવસમાં મૃત્યુ પામનારા લોકોના જાહેર થયેલા આંકડામાં આજે રેકોર્ડ નોંધાયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા ગુરૂવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૯૪,૦૫૨ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૬૧૪૮ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૯૧,૮૩,૧૨૧ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૨૩,૯૦,૫૮,૩૬૦ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.
વિશેષમાં, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૭૬ લાખ ૫૫ હજાર ૪૯૩ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧,૫૧,૩૬૭ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧૧,૬૭,૯૫૨ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૫૯,૬૭૬ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.ગુરૂવારે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૯ જૂન, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૩૭,૨૧,૯૮,૨૫૩ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે બુધવારના ૨૪ કલાકમાં ૨૦,૦૪,૬૯૦ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં પણ કોરોનાની બીજી લહેર પર ઘણે અંશે કાબૂ મેળવી લેવાયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૬૪૪ કેસ નોંધાયા છે. જેની સામે ૧૬૭૫ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૧૦ દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૯૯૬૫ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૬.૯૮ ટકા છે. અત્યાર સુધીમાં ૧,૯૧,૮૦,૮૬૫ વ્યક્તિઓને કોરોનાવેક્સીન આપવામાં આવી છે. જેમાં આજ વધુ ૨,૬૬,૨૨૨ વ્યક્તિઓને કોરોનાની રસી મળી છે.
કોરોનાના નવા કેસોની વાત કરીએ તો, અમદાવાદ શહેરમાં ૯૩ નવા કેસ નોંધાયા છે જ્યારે વડોદરામાં ૯૨, સુરતમાં ૬૩, રાજકોટમાં ૨૯, જૂનાગઢ જિલ્લામાં ૨૨, જામનગર શહેરમાં ૧૯, ગીરસોમનાથમાં ૧૬, ખેડામાં ૧૬, આણંદમાં ૧૪, અરવલ્લી, કચ્છમાં ૧૩-૧૩, નવસારીમાં પણ ૧૩ કેસ નોંધાયા છે. જ્યારે બનાસકાંઠા, ભરૂચમાં ૧૧-૧૧ કેસ નોંધાયા છે. જ્યારે અમરેલીમાં ૯ કેસ નોંધાયા છે.ગુજરાતમાં હાલમાં કુલ ૧૩,૬૮૩ એક્ટિવ કેસ છે જ્યારે ૩૪૬ દર્દી વેન્ટીલેટર પર છે. આ દર્દીઓ પૈકીના ૧૩૩૩૭ દર્દીઓ સ્ટેબલ છે જ્યારે ૭,૯૭,૭૦૩ દર્દી ડિસ્ચાર્જ થયા છે. અત્યારસુધીમાં રાજ્યમાં કોરોના કારણે ૯૯૯૬૫ દર્દીના નિધન થયા છે.