ભારતમાં કેન્સરના નિદાન પછી ૫ માંથી ૩ દર્દીઓનાં મોત થાય છે

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સ્ટડી રિપોર્ટનું મહત્વનું તારણ
છેલ્લા ૨૦ વર્ષમાં ભારતમાં વિવિધ ઉંમરના જૂથો અને લૈંગિક સમૂહોમાં ૩૬ પ્રકારના કેન્સરની પ્રવૃતિઓની તપાસ કરવામાં આવી છે
નવી દિલ્હી, વિશ્વભરમાં પ્રતિ વર્ષે કેન્સરને લીધે લાખો લોકોના મોત થાય છે. આ દરમિયાન ભારતમાં કેન્સરને લીધે થતા મૃત્યુના મામલે એક રિપોર્ટ સામે આવ્યો છે. વૈશ્વિક કેન્સર ડેટાનું વિશ્લેષણ કર્યા પછી અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે કે ભારતમાં પ્રતિ પાંચમાંથી ત્રણ લોકો કેન્સરના નિદાન પછી મૃત્યુને ભેટે છે. એમાં પુરુષોની તુલનામાં મહિલાઓની સંખ્યા વધુ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(આઈસીએમઆર)ના સ્ટડીમાં જાણવા મળ્યુ છે કે ચીન અને અમેરિકા પછી ભારત કેન્સરને લીધે થતા મોતના મામલામાં ત્રીજા સ્થાન પર છે.
વિશ્વભરમાં કેન્સરથી થતા મોતના ૧૦ ટકાથી વધુ કેસો ભારતના હોય છે, જે ચીન પછી બીજા સ્થાન પર છે. પ્રસિદ્ધ ‘ધ લાન્સેટ રીજનલ હેલ્થ સાઉથઈસ્ટ એશિયા જર્નલ’માં પ્રકાશિત રિપોર્ટ પ્રમાણે, કેન્સરને લીધે અમેરિકામાં મૃત્યુદરનો રેશિયો લગભગ ચારમાંથી એક જોવા મળ્યો, જ્યારે ચીનમાં આ રેશિયો બેમાંથી એક હતો. સંશોધકોના કહેવા પ્રમાણે આવનારા દાયકાઓમાં ભારતને કેન્સરથી થતા મોતના મામલાઓ સંભાળવામાં મોટા પડકારોનો સામનો કરવો પડશે, કારણ કે આજનો યુવા દેશ ભારત ધીમે-ધીમે ઉંમરમાં આગળ વધશે, જેના કારણે કેન્સરના મામલાઓમાં પણ વધારો થશે.આઈસીએમઆરના સંશોધકોની ટીમે ગ્લોબલ કેન્સર ઓબ્જર્વેટરી (ગ્લોબોકોન) ૨૦૨૨ અને ગ્લોબલ હેલ્થ ઓબ્જર્વેટરી ડેટાબેઝનો ઉપયોગ કરાયો છે. જેમાં છેલ્લા ૨૦ વર્ષમાં ભારતમાં વિવિધ ઉંમરના જૂથો અને લૈંગિક સમૂહોમાં ૩૬ પ્રકારના કેન્સરની પ્રવૃતિઓની તપાસ કરવામાં આવી છે.
સંશોધન લેખ મુજબ, ભારતમાં કેન્સરના નિદાન થવા પર પાંચમાંથી લગભગ ત્રણ વ્યક્તિઓના મોત થવાની શક્યતા છે. તારણ દ્વારા જાણવા મળ્યું કે પુરુષો અને મહિલાઓ બંનેને પ્રભાવિત કરનાર પાંચ સૌથી સામાન્ય કેન્સર પ્રકાર સામૂહિક રીતે ભારતમાં કેન્સરના ૪૪ ટકા કેસોના મૂળ છે. જોકે, ભારતમાં પુરુષોની તુલનામાં મહિલાઓમાં કેન્સરનો પ્રકોપ વધુ છે, કારણ કે સ્તન કેન્સર હજુ પણ એક પ્રચલિત કેન્સર છે.મહિલાઓમાં કેન્સરના નવા મામલાઓમાં લગભગ ૩૦ ટકા સ્તન કેન્સરના કેસો છે, ત્યાર પછી ગર્ભાશય ગ્રીવા કેન્સરના લગભગ ૧૯ ટકા કેસો છે. પુરુષોમાં સૌથી વધુ મોંઢાના કેન્સરના કેસો છે, જે લગભગ નવા કેસોમાં ૧૬ ટકા હોય છે.SS1