Western Times News

Gujarati News

ભારતમાં કોરોનાથી ૩૮૦નાં મોત, ૧૯ હજારથી વધારે કેસ

દેશભરમાં કુલ દર્દીઓની સંખ્યા ૫.૪૮ લાખ પર પહોંચી, કુલ ૩,૨૧,૭૨૩ દર્દીઓ સાજા થઇને ઘરે પાછા ફર્યા
નવી દિલ્હી,  ભારતમાં અનલોક-૦૨ની તૈયારી વચ્ચે કોરોનાનો કહેર પણ વેગ પકડી રહ્યો છે. વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના લગભગ ૧૯,૪૫૯ નવા કેસો નોંધાયા છે. તેની સાથે દેશભરમાં કોરોનાના ચેપગ્રસ્તોની કુલ સંખ્યા ૫.૪૮ લાખને પાર થઈ ચૂકી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સોમવારે જારી કરાયેલા આંકડા મુજબ ભારતમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૫,૪૮,૩૧૮ની થઈ છે. જ્યારે ખતરનાક વાયરસથી અત્યાર સુધીમાં ૧૬,૪૭૫ લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે વિતેલા ૨૪ કલાકમાં ૧૯,૪૫૯ નવા દર્દીઓ નોંધાયા છે. તેમજ ૩૮૦ લોકોના મોત નિપજ્યા છે. તેની સામે રાહતની વાત એ છે કે ૩,૨૧,૭૨૩ દર્દીઓ સાજા થયા છે. એથી રિકવરી રેટ ૫૮.૬૭ ટકા પર પહોંચી ગયો છે.

તા.૨૮મી જૂન સુધીમાં કુલ ૮૩,૯૮, ૩૬૨ સેમ્પલનું ટેસ્ટીંગ થઈ ચૂક્યુ છે. પોઝીટીવિટી રેટ એટલે કે સેમ્પલના ટેસ્ટીંગ બાદ દર્દીઓ પોઝીટીવ આવવાનો દર ૧૧.૪૦ ટકાનો થયો છે. મંત્રાલયના આંકડા મુજબ વિતેલા ૧૦ દિવસોમાં પોઝીટીવિટી રેટમાં ઝડપભેર વધારો નોંધાયો છે. તા.૨૦મી જૂને પોઝીટીવિટી રેટ ૭.૬૪ ટકાનો હતો, જે તા. ૨૯મી જૂને વધીને ૧૧.૪૦ ટકા પર પહોંચી ચૂક્યો છે. ન્યૂઝ એજન્સી એએફપીના જણાવ્યા મુજબ દુનિયાભરમા કોરોના વાયરસથી થનારા મૃત્યુનો આંક ૫ લાખને પાર થઈ ચૂક્યો છે. તેમાંથી બે તૃત્તિયાંશ મોત માત્ર અમેરિકા અને યૂરોપમાંથી નોંધાયા છે.

રવિવારે રાત્રિના જારી કરાયેલા આંકડા મુજબ, કોવિડ-૧૯ વાયરસનો કહેર ૧૮૦થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. તેના સંક્રમણથી ૫,૦૦,૩૯૦ લોકોએ જીવ ગુમાવ્યો છે. અત્યાર સુધીમાં વિશ્વભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૧,૦૦,૯૯,૫૭૬ પર પહોંચી ચૂકી છે. અમેરિકામાં કોરોનાથી ૧,૨૫,૭૪૭, બ્રાઝીલમાં ૫૭,૬૨૨ અને બ્રિટનમાં ૪૩,૫૫૦ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે ભારતની વાત કરીએ તો કોવિડ-૧૯ વાયરસથી અત્યાર સુધીમાં કુલ ૧૬,૪૭૫ લોકોના મોત નિપજ્યા છે.

તેમાં જો રાજ્યવાર નજર કરવામાં આવે તો કોરોનાથી થનારા મૃત્યુમાંથી ૮૮.૯૪ ટકા મોત દેશના ૮ રાજ્યો – મહારાષ્ટ્ર, દિલ્હી, તામિલનાડુ, ગુજરાત, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં નોંધાયા છે. તેની સાથે દેશમાં કુલ સક્રિય કેસોમાંથી ૮૨.૪૪ ટકા દર્દીઓ પણ આ ૮ રાજ્યોમાંથી જ છે. આ ૮ રાજ્યોના ચેપગ્રસ્તોના આંક પર નજર કરીએ તો મહારાષ્ટ્રમાંથી ૧,૬૪,૬૨૬, દિલ્હી ૮૩,૦૭૭, તામિલનાડુ ૮૨,૨૭૫, ગુજરાત ૩૧,૩૨૦, ઉત્તરપ્રદેશ ૨૨,૧૪૭, તેલંગાણા ૧૪,૪૧૯ તેમજ આંધ્રપ્રદેશમાંથી ૧૩,૨૪૧ દર્દીઓનો સમાવેશ થાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.