ભારતમાં કોરોનાનાં નવા કેસ છેલ્લા ઘણા દિવસોથી સ્થિર
નવીદિલ્હી: ભારતમાં કોરોનાવાયરસનાં નવા કેસ છેલ્લા ઘણા દિવસોથી સ્થિર છે. દરરોજ આશરે ૪૦ હજાર નવા કોરોનાનાં કેસ નોંધાયા છે. આ સાથે, કોરોનાનાં કારણે થતાં મૃત્યુમાં પણ ઘટાડો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સોમવારે જારી કરેલા છેલ્લા આંકડા મુજબ ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૮,૧૬૪ નવા કોવિડ-૧૯ કેસ નોંધાયા છે, જ્યારે આ જીવલેણ વાયરસનાં કારણે ૪૯૯ દર્દીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોરોનાથી અત્યાર સુધીમાં ૪,૧૪,૧૦૮ લોકોએ જીવ ગુમાવ્યો છે. ભારતમાં સંક્રમણનાં કુલ કેસ ૩,૧૧,૪૪,૨૨૯ પર પહોંચી ગયા છે.
દેશમાં હાલમાં કુલ સક્રિય કેસ ૪,૨૧,૬૬૫ છે. તો વળી, આ ખતરનાક વાયરસનાં કારણે કુલ ૪,૧૪,૧૦૮ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે રસીકરણ પણ કોરોનાને હરાવવા માટે ઝડપી બનાવવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં કુલ ૪૦,૬૪,૮૧,૪૯૩ લોકોને રસી આપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર ૧૮ જુલાઇ સુધીમાં કુલ ૪૪,૫૪,૨૨,૨૫૬ સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, જેમાંથી ગઈકાલે ૧૪,૬૩,૫૯૩ સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, કોવિડ-૧૯ સામેની લડતમાં આગામી ૧૦૦-૧૨૫ દિવસ નિર્ણાયક બનશે. આરોગ્ય અંગે નીતી આયોગનાં સભ્ય ડો.વી.કે. પોલ, જે કોવિડ સામે લડતા કેન્દ્રનાં કાર્યકારી દળનાં સભ્ય પણ છે, તેમણે શુક્રવારે કહ્યું હતું કે, કેસોમાં ઘટાડો ધીમો પડી ગયો છે. આ એક ચેતવણી છે.
ભારતમાં કોવિડ સામેની લડાઈ માટે આગામી ૧૦૦ થી ૧૨૫ દિવસ નિર્ણાયક છે. સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે કોવિડ બ્રીફિંગ દરમ્યાન જણાવ્યું હતું કે, બીજી લહેરનાં ઘટાડા બાદ કેટલાક રાજ્યોએ સાવચેતીપૂર્વક પ્રતિબંધ હળવા કર્યા છે. જાે કે, ત્રીજી લહેરની સંભાવના માટે દેશ તૈયારી કરી રહ્યો છે. રિકવરી દર વધીને ૯૭.૩૨ ટકા થયો છે જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ એટલે કે સંક્રમણ દર હાલમાં પાંચ ટકાથી નીચે ૨.૦૮ ટકા છે. વળી, દૈનિક સંક્રમણ દર ૨.૬૧ ટકા છે, સંક્રમણ દર સતત ૨૮ માં દિવસે ત્રણ ટકાથી નીચે છે.
કોરોના વાયરસનાં કિસ્સામાં ઇન્ડોનેશિયાએ બ્રાઝિલને પાછળ છોડી દીધું છે. ઇન્ડોનેશિયા હાલમાં વિશ્વમાં સૌથી વધુ કોરોનાનાં કેસ નોંધાવી રહ્યું છે, જ્યારે ભારત બ્રિટનને પાછળ રાખીને ચોથા ક્રમે આવ્યું છે. શુક્રવારે પૂરા થયેલા સાત દિવસોમાં ઇન્ડોનેશિયામાં ૩.૨૪ લાખ કેસ નોંધાયા છે, જે પાછલા અઠવાડિયાથી ૪૩ ટકાનો વધારો છે.