ભારતમાં કોરોનાના આતંકની સાથે રાહતના સમાચાર

દેશમાં સક્રિય ચેપગ્રસ્તો કરતાં રિકવર થનારાનું પ્રમાણ વધ્યું -દેશમાં કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા ૨.૭૬ લાખ અને મહામારીથી અત્યાર સુધીમાં ૭૭૪૫ લોકોના મૃત્યુ થયાં
નવી દિલ્હી, ભારતમાં કોરોનાના વાયરસના દર્દીઓની સંખ્યા ઝડપભેર વધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે સવારે જારી કરાયેલા આંકડા મુજબ, દેશમાં કોરોના વાયરસના દર્દીઓની કુલ સંખ્યા ૨,૭૬,૫૮૩ થઈ ચૂકી છે. જ્યારે મહામારીથી અત્યાર સુધીમાં ૭,૭૪૫ લોકોના મોત થયા છે. વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના ૯૯૮૫ નવા કેસ સામે આવ્યા છે તેમજ ૨૭૪ લોકોએ જીવ ગુમાવ્યો છે. તેની સાથે એક રાહતજનક વાત કરતા મંત્રાલયે જણાવ્યું કે ૧,૩૫,૨૦૬ દર્દીઓ કોરોનાને મ્હાત કરવામાં સફળ થયા છે. એથી રિકવરી રેટ ૪૮.૮૮ ટકા સુધી પહોંચી ગયો છે.
દેશભરમાં વિતેલા ૨૪ કલાકમાં કોરોનાના ૫,૯૯૧ દર્દીઓ સાજા થયા છે. તેની સાથે ભારતમાં કોરોનાને મ્હાત કરનારા દર્દીઓની સંખ્યા હવે ૧,૩૫,૨૦૫ થઈ ચૂકી છે. તેની સામે દેશમાં કોવિડ-૧૯ના સક્રિય કેસોની કુલ સંખ્યા ૧,૩૩,૬૩૨ છે. આમ મહામારીને મ્હાત કરીને હોસ્પિટલમાંથી ઘેર જનારા દર્દીઓની સંખ્યા હાલ સારવાર લઈ દર્દીઓની સંખ્યાથી વધારે હોવાની રાહતજનક વાત સૌપ્રથમવાર સામે આવી છે. તેમ છતાં છેલ્લાં કેટલાક દિવસોથી કોરોના વાયરસના નવા ચેપગ્રસ્તોની સંખ્યા ૯,૦૦૦થી પાર સામે આવી રહી છે.
આ દરમિયાન દિલ્હીમં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૩૧,૩૦૯ થઈ ચૂકી છે. વિતેલા ૨૪ કલાકમાં ૧,૩૩૬ નવા કેસ નોંધાયા છે. તેની સાથે વિતેલા ૨૪ કલાકમાં ૫૦૪ દર્દી સાજા થયા છે. રાજધાનીમાં અત્યાર સુધીમાં કુલ ૧૧,૮૬૧ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. તેમજ વિતેલા ૨૪ કલાકમાં ૭ દર્દીઓના મોત થતાં દિલ્હીમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંક ૯૦૫ પર પહોંચ્યો છે. દિલ્હીમાં રિકવરી રેટ ૩૭.૮૮ ટકા છે, તો મૃત્યુનો દર ૨.૮૯ ટકા છે. કોરોના પ્રકોપનો સૌથી વધુ માર સહન કરી રહેલા મહારાષ્ટ્રમાં ચેપગ્રસ્તોની સંખ્યા ૯૦ હજારને પાર થઈ ચૂકી છે.
તો મહાનગર મુંબઈએ ૫૧ હજાર કેસોની સાથે ચીનના વુહાન શહેરને પણ પાછળ રાખી દીદ્યું છે. જ્યાંથી ડિસેમ્બર માસથી મહામારીએ દેખા દીદ્યી હતી. વુહાનમાં ચેપગ્રસ્તોની સંખ્યા ૫૦,૩૩૩ છે. આમ દેશમાં કોરોના વાયરસના સૌથી મોટા હોટસ્પોટ બની ચૂકેલું મહારાષ્ટ્ર રાજ્ય ચેપગ્રસ્તોની સંખ્યામાં ચીનથી આગળ નીકળી ગયું છે. ચીનમાં ૮૪ હજારથી વધુ કેસો નોંધાયા છે. મહારાષ્ટ્રમાં મંગળવારે ૨૨૫૯ નવા કેસો સામે આવ્યા હતા. તેની સાથે રાજ્યમાં કોરોનાથી ૧૨૦ લોકોના મૃત્યુ થયા હતા. આમ ગુજરાતના પડોશી મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોની સંખ્યા ૯૦,૭૮૭ થઈ ચૂકી છે.
રાજ્યમાં વાયરસના કારણે ૩૨૮૯ લોકોના મોત થયા છે. આ ઉપરાંત દેશભરમાં વિતેલા ૨૪ કલાકમાં ૨૭૯ લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં તો બીજા નંબરે ગુજરાતમાં ૩૩, દિલ્હીમાં ૩૧, તામિલનાડુમાં ૨૧, ઉત્તરપ્રદેશમાં ૧૮, તેલંગાણામાં ૧૧, પશ્ચિમ બંગાળમાં ૧૦, રાજસ્થાનમાં ૯, મધ્યપ્રદેશ અને હરિયાણામાં ૬ – ૬, જમ્મુ-કાશ્મીરમાં ૩, પંજાબમાં ૨, કર્ણાટક, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ તેમજ ત્રિપુરામાં ૧ – ૧ વ્યક્તિના મોત થયા છે. અત્યાર સુધીમાં વાયરસનો શિકાર બનેલાં ૭,૭૪૫ લોકોના મોત થયા છે. તેમાં પણ સૌથી વધુ ૩,૨૮૯ લોકોના મહારાષ્ટ્રમાં મૃત્યુ થયા છે. ત્યારબાદ બીજા નંબરે ગુજરાતમાં ૧,૩૧૩, દિલ્હીમાં ૯૦૫, મધ્યપ્રદેશમાં ૪૨૦, પશ્ચિમ બંગાળમાં ૪૧૫, તામિલનાડુમાં ૩૦૭, ઉત્તરપ્રદેશમાં ૩૦૧, રાજસ્થાનમાં ૨૫૫ અને તેલંગાણામાં ૧૪૮ લોકોના મોત થયા છે.