ભારતમાં કોરોનાના કેસો ચિંતાજનક રીતે વધશે- ૨.૮૭ લાખ કેસ પ્રતિ દિવસ નોંધાઈ શકે
નવી દિલ્હી: કોરોના વાયરસની રસી જો આગામી વર્ષની શરુઆત સુધી હાથ નહીં લાગે તો ભારતની હાલત ખૂબ ખરાબ થઈ શકે છે. વિશ્વની સૌથી પ્રખ્યાત મેસેચુસેટ્સ ઈન્સિટટ્યૂટ ઓફ ટેકનોલોજી(એમઆઈટી)ના સંશોધકોના કહેવા અનુસાર, વર્તમાન પરિસ્થિતિમાં ફેબ્રુઆરી ૨૦૨૧થી ભારતમાં કોરોના વાયરસના ૨.૮૭ લાખ કેસ પ્રતિ દિવસ નોંધાઈ શકે છે.
આ સ્ટડી એ ૮૪ દેશોની ટેસ્ટિંગ અને કેસ ડેટા પર આધારીત છે, જે વિશ્વની કુલ વસ્તીનો ૬૦ ટકા હિસ્સો છે. એમઆઈટીના સંશોધક હાજહિર રહમનદાદ, ટીવાઈ લિમ અને જોન સ્ટરમેન એ નિષ્કર્ષ પર પહોંચવા માટે સ્ટાન્ડર્ડ મેથેમેટિકલ મોડલ(એસઇઆઈઆર)નો ઉપયોગ કર્યો છે.
ચેપી રોગ અને રોગના મૂળ શોધવા માટે એપિડેમિયોલોજિસ્ટ આ મોડલનો ઉપયોગ કરે છે. સંશોધકોએ એ પણ દાવો કર્યો છે કે સારવાર નહીં મળવાના કારણે દુનિયાભરમાં કુલ કેસોની સંખ્યા ૨૦૨૧માં માર્ચથી મે મહિના દરમિયાન ૨૦ થી ૬૦ કરોડની વચ્ચે હોઈ શકે છે. આગામી વર્ષની શરુઆત સુધી કોરોના બીમારીના કારણે ભારતની દશા ખૂબ બગડી શકે છે. ભારત પછી, ફેબ્રુઆરી ૨૦૨૧ સુધી અમેરિકામાં પ્રતિ દિવસ ૯૫૦૦૦ કેસ, દક્ષિણ આફ્રિકામાં પ્રતિ દિવસ ૨૧૦૦૦ કેસ અને ઈરાનમાં ૧૭૦૦૦ કેસ નોધાઈ શકે છે. આ સંશોધકોએ ત્રણ ખૂબ ખાસ પરિદ્રશ્યો(સિનારિયો)ને ધ્યાનમાં રાખ્યો છે.