Western Times News

Gujarati News

ભારતમાં કોરોનાના નવા કેસની જેમ મૃત્યુઆંકમાં વધારો નોંધાયો

નવી દિલ્હી: ભારતમાં ચાલતી કોરોનાની બીજી લહેરની શરુઆતના અઠવાડિયાઓમાં કોરોનાના કારણે થતા મૃત્યુઆંક નીચા આવી રહ્યા હતા પરંતુ હવે મૃત્યુઆંકની સંખ્યા પણ હવે ચિંતા વધારી રહી છે. પાછલા ૪ અઠવાડિયામાં ફેરફાર જાેવા મળ્યા છે. ૮ માર્ચ પછીથી કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તે જ રીતે મૃત્યુઆંકમાં પણ વધારો નોંધાઈ રહ્યો છે. આ સમયમાં ૭ દિવસના રોજના નોંધાતા કેસ અને મૃત્યુઆંક બન્નેમાં લગભગ ૩૪૫%નો ઉછાળો નોંધાયો છે. દરરોજ નોંધાતા મૃત્યુ (સરેરાશ સાત દિવસ)નો આંકડો ૮ માર્ચના રોજ ૯૬ હતો જે ૪ એપ્રિલે ૪૨૫ પર પહોંચી ગયો હતો,

એટલે કે આ ૪.૫ ગણો વધ્યો છે, આ સમયગાળા દરમિયાન કેસમાં પણ ઉછાળો નોંધાયો છે. આ પહેલાના ૪ અઠવાડિયા (૮ ફેબ્રુઆરીથી ૮ માર્ચ) દરમિયાન ૫૦% કેસમાં ઉછાળો નોંધાયો હતો પરંતુ મૃત્યુઆંક કાબૂમાં હતો. હાલ જે રીતે કેસ વધી રહ્યા છે તેની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યા છે. પાછલા અઠવાડિયામાં (૨૯ માર્ચથી ૪ એપ્રિલ) ૨,૯૭૪ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે, અહીં અગાઉના અઠવાડિયા (૧,૮૭૫) કરતા ૫૯% વધારો નોંધાયો છે. એટલે કે અગાઉના ૭ દિવસ કરતા પાછલા ૭ દિવસમાં ૧૦૦૦થી વધુ મૃત્યુઆંક નોંધાયા છે. ભારતમાં કોરોનાકાળ શરુ થયો તે પછીનો આ અઠવાડિયા દરમિયાનનો મૃત્યુઆંકનો મહાકૂદકો છે.

આ પહેલાના બે અઠવાડિયા દરમિયાન મૃત્યુઆંકમાં ૫૧% અને ૪૧%નો ઉછાળો નોંધાયો હતો, હવે ફરીથી ૧૫-૨૧ જૂન દરમિયાન જે રીતે મૃત્યુઆંક વધતા હતા તે રીતે ફરી વધી રહ્યા છે. એ સમયે જૂના બાકી રહી ગયેલા ૧૦૦ જેટલા મૃત્યુ ઉમેરાયા હતા. હવે ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યા છે. આગામી કેટલાક અઠવાડિયા દરમિયાન કોરોનાના લીધે થતા મૃત્યુ પર નજર રાખવી પડશે.

સોમવારે ભારતમાં ૯૬,૫૧૭ નવા કેસ નોંધાયા છે, આ પહેલાના દિવસે એટલે કે રવિવારે નવા કેસનો આંકડો એક લાખને પાર થઈ ગયો હતો. સામાન્ય રીતે રવિવારના સ્ટાફ, ટેસ્ટિંગ વગેરે મુદ્દાઓના કારણે કેસની સંખ્યા નીચી રહેતી હોય છે પરંતુ સતત મોટી સંખ્યામાં કેસમાં વધારો થઈ રહ્યો છે. પાછલા ૨૪ કલાકમાં દેશમાં ૪૪૫ લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યો છે, સતત ૬ દિવસથી દેશમાં ૪૦૦થી વધુ મોત નોંધાઈ રહ્યા છે. મહારાષ્ટ્રમાં નવા ૪૭,૨૮૮ કેસ નોંધાયા છે, રવિવારે નોંધાયેલા કેસ કરતા ૧૦,૦૦૦નો ઘટાડો નોંધાયો છે. છત્તીસગઢમાં મોટા ઉછાળા સાથે ૭,૩૦૨ નવા કેસ નોંધાયા છે. આ વર્ષે આ બીજુ રાજ્ય બન્યું છે કે જેણે એક દિવસમાં નવા કેસનો આંકડો ૭૦૦૦ને પાર નોંધાવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.