ભારતમાં કોરોનાના નવા વેરિયન્ટથી સંક્રમણ વધ્યું

નવી દિલ્હી: ભારતમાં કોરોનાની બીજી લહેરથી સરકાર અને સામાન્ય માણસ બંને ખૂબ જ આશ્ચર્ય સાથે મુશ્કેલીમાં છે. દિલ્હી, મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત, તામિલનાડુ, કર્ણાટક અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં કેસ બે ગણી ઝડપે વધી રહ્યા છે. દિલ્હીમાં દિલ્હીમાં ગુરુવારે કોરોનાના ૨૭૯૦ કેસ આવ્યા હતા જે આ વર્ષે એક દિવસમાં આવેલા કેસનો રેકોર્ડ છે. જ્યારે આ જ રીતે મહારાષ્ટ્રમાં એક દિવસમાં ૪૩,૧૮૩ નવા કેસ આવ્યા છે.
જેમાં સંક્રમિતોની સંખ્યા ૨૮,૫૬, ૧૬૩ થઈ ગઈ છે. જસલોક હોસ્પિટલના ડોક્ટર રાજેશ પારીખનું કહેવું છે કે સૌથી મોટી ભૂલ તો દરેક વ્યક્તિની છે જે કોરોના ગાઈડલાઈન્સનું પાલન નથી કરી રહ્યા. માસ્ક ન પહેરવું તેમાં મુખ્ય બાબત છે. આ ઉપરાંત બજારોમાં ભીડ થવી પણ એક કારણ છે. તેમજ હવે ધીરે ધીરે વાયરસ નવું સ્વરુપ લઈ રહ્યો છે અને મ્યુટેટ થઈ રહ્યો છે. દેશમાં હાલ જે વાયરસ મળે છે તે બે કે ત્રણ વેરિયન્ટમાં મ્યુટેટ થયો છે.
જેના કારણે કેસ સતત વધી રહ્યા છે. તેમણે કહ્યું કે આ મ્યુટેટ વાયરસમાંથી એક -બે પ્રકાર એવા છે જે શરીરમાં એન્ટિબોડી હોવા છતા તમને સંક્રમિત કરી શકે છે. બ્રાઉન યુનિવર્સિટી ઓફ પબ્લિક હેલ્થના ડીન ડોક્ટર આશીષ કુમાર ઝાએ કહ્યું કે ભારતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક મામલાનું સૌથી મોટું કારણ એ છે કે અહીં કોરોનાના નવા વેરિયન્ટ આવી ગયા છે. જે ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યા છે. તેમણે કહ્યું કે
હવે આ સંક્રમણને રોકવા માટે લોકડાઉન લગાવવું કોઈ ઉપાય નથી. તેનાથી દેશની અર્થવ્યવસ્થા પર ખરાબ પ્રભાવ પડશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે વેક્સીન પણ કેટલાક નવા પ્રકાર પર પ્રભાવી નથી. જેવી રીતે સાઉથ આફ્રિકામાંથી આવેલા કોરોના વેરિયન્ટ પર કોવિશિલ્ડ પ્રભાવી નથી. એઇમ્સના કોવિડ સેન્ટરના હેડ રાજેશ મલ્હોત્રા કહે છે કે દેશમાં જે રીતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે દરેક દિવસે તેના પહેલાના દિવસ કરતા ૬૦થી ૭૦ ટકા વધુ કેસ આવે છે. તેમણે કહ્યું કે વેરિયન્ટની સાથે લોકોનું બેજવાબદારપણું પણ એટલું જ કારણભૂત છે.