ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની એન્ટ્રીથી ફફડાટ
બ્રિટનથી આવેલા તમામ નાગરિકોની દેશવ્યાપીઃ ભારત, ઈટલી, ડેન્માર્ક સહિતના દેશોમાં કોરોનાના નવા સ્ટ્રેનના કેસ મળ્યા : રાજસ્થાનમાં બ્રિટનથી આવેલા ૩પ લોકોના એડ્રેસ જ નથી મળતાં: ૧૭ લોકો ગાયબ શોધખોળ: નવા સ્ટ્રેનના કેસોમાં આરોગ્ય વિભાગે શરૂ કરેલી કાર્યવાહી: દર્દીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોની : શોધખોળ કરી ટેસ્ટ કરવાની કાર્યવાહી: કોરોનાના નવા સ્ટ્રેનથી ૧પ વ્યક્તિઓને ખુબ જ ઝડપથી ચેપ લાગી શકે છે
ભારતમાં કોરોના વાયરસના કેસો દિવસેને દિવસે ઘટી રહયા છે સમગ્ર એશિયામાં સૌથી ગીચ વસ્તી ધરાવતો ભારત દેશ કોરોના વાયરસ સામે ઝઝુમી રહયો છે. લોકડાઉન લાગુ કર્યા બાદ અનલોકમાં તબક્કાવાર છુટછાટો આપવામાં આવી છે અને તેમાં પણ સરકારી ગાઈડ લાઈનનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહયો છે. વર્ષ દરમિયાન કોરોના વાયરસના કારણે એક પણ તહેવાર ઉજવી શકાયો નથી પરંતુ દિવાળીના તહેવારોમાં તથા કેટલાક જાહેર સ્થળો પર નાગરિકો ખુલ્લેઆમ ગાઈડલાઈનનો ભંગ કરતા ફરી એક વખત કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો જાેવા મળ્યો હતો પરંતુ ત્યારબાદ સાવચેતીના પગલા લેવાતા કોરોના કાબુમાં આવવા લાગ્યો છે. સાથે સાથે દેશભરમાં એક સાથે રસીકરણ ઝુંબેશની તૈયારીઓ ખુબ જ ઝડપથી પુર્ણતાના આરે છે અને ટુંક સમયમાં જ રસીકરણની પ્રક્રિયા શરૂ થવાની છે ત્યારે જ ભારત માથે વધુ એક મુસીબત આવી પડી છે.
યુ.કે.માં કોરોનાના નવા સ્ટ્રેન મળ્યા બાદ પાડોશી દેશોએ સાવચેતીના ભાગરૂપે ઈંગ્લેન્ડ સાથે જાેડાયેલી તમામ સરહદો સીલ કરી દીધી છે પરંતુ ભારતમાં બ્રિટનથી અનેક નાગરિકો આવી પહોંચેલા છે. આ અંગેની વિગતો બહાર આવતા જ કેન્દ્ર સરકાર અને તમામ રાજય સરકારો સફાળી જાગી છે. યુ.કે.થી આવેલા તમામ પ્રવાસીઓની દેશવ્યાપી શોધખોળ શરૂ કરી તેઓના ટેસ્ટ કરવામાં આવી રહયા છે જેમાં સોમવાર સુધીમાં કોરોનાના નવા સ્ટ્રેનના ૬ કેસો ભારત દેશમાંથી મળી આવતા દેશભરમાં ફફડાટ ફેલાયો છે અને સરકાર પણ ચિંતીત બની છે. દેશભરમાં નાગરિકોમાં વધુ ફફડાટ ફેલાય તે પહેલા જ આરોગ્ય વિભાગે શાંત્વના આપવા માટે જણાવ્યું છે કે નવા સ્ટ્રેન સામે પણ રસી અસરકારક સાબિત થશે પરંતુ આ વાત કેટલી સાચી ઠરે છે તે આવનાર સમય જ બતાવશે.
સમગ્ર વિશ્વ માટે ર૦ર૦નું વર્ષ ખૂબ જ પીડાદાયક રહયું ઈતિહાસમાં સૌ પ્રથમ વખત તમામ દેશો એક જ મુસીબતનો સામનો કરતા જાેવા મળ્યા છે. ચીનમાંથી ફેલાયેલા કોરોના વાયરસને સમયસર કાબુમાં નહીં લઈ સમગ્ર માહિતી ચીને ગુપ્ત રાખતા વિશ્વભરના દેશોમાં કોરોના વાયરસનો પગપેસારો થઈ ગયો છે.
કોરોના વાયરસ ફેલાવવાના કારણે તમામ મોટા દેશોમાં તેની વ્યાપક અસર જાેવા મળી હતી અમેરિકામાં સૌથી વધુ નાગરિકો કોરોનામાં સપડાયા છે અને મૃત્યુ આંક પણ ખુબ જ ઉંચો છે. અમેરિકાની સરકારે સમયસર પગલાં નહી ભર્યાં હોવાના આક્ષેપો પણ ટ્રમ્પ સામે થયા હતાં અને હજુ પણ અમેરિકામાં આજ પરિસ્થિતિ જાેવા મળી રહી છે.
અમેરિકા ઉપરાંત ભારત, ઈંગ્લેન્ડ, સહિતના દેશોમાં પણ કોરોના વાયરસના કારણે લોક ડાઉન નાંખવા સહિતની કામગીરી કરવામાં આવી હતી જેના પરિણામે વ્યાપકપણે દેશોની આર્થિક સ્થિતિ કથળવા લાગી હતી. ભારત વિસ્તાર અને વસ્તીની દ્રષ્ટિએ ખુબ ગીચ માનવામાં આવી રહયો છે. લોકડાઉન બાદ અર્થતંત્રને મજબુત કરવા માટે અનલોકની જાહેરાત કરી તેમાં છુટછાટો આપી હતી. છુટછાટો દરમિયાન કોરોનાના કેસો વધશે તેવી દહેશત હતી અને તેવી સ્થિતિ સર્જાઈ હતી પરંતુ સરકારે ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ શરૂ કરાવ્યો હતો.
શહેરી વિસ્તારોમાં નાગરિકો ગાઈડ લાઈનનો ભંગ કરતા જાેવા મળ્યા હતાં ન્યાયતંત્રે પણ આ મુદ્દે સરકારને મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા છે. આજે ગુજરાતમાં માસ્ક વગર ફરતા નાગરિકો પાસેથી રૂા.૧૦૦૦નો દંડ વસુલવામાં આવી રહયો છે. કોરોનાને કાબુમાં લેવા માટે દેશમાં રસીકરણની ઝુંબેશ શરૂ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં સરકારી તંત્ર ખુબ જ વ્યવસ્થિત માળખુ બનાવી રહયું છે અને આ માટેની તૈયારીઓ પણ લગભગ પૂર્ણ થઈ ગઈ છે મોટાભાગના વિસ્તારોમાં હાલ રસીકરણ માટેની તૈયારીનું રિહર્સલ કરવામાં આવી રહયું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસી બનાવતી કંપનીઓની જાતે જ મુલાકાત લઈ રસી બનાવવાની પ્રક્રિયા તથા તેની અસરો અંગે ચર્ચા કરી હતી. ભારતમાં ખુબ જ ઝડપથી રસીનો જથ્થો ઉપલબ્ધ થાય તે માટે પ્રયાસો શરૂ કર્યાં હતા અને તેમાં હવે સફળતા પણ મળવા લાગી છે. ભારતમાં રસીકરણની ઝુંબેશની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે ત્યારે ભારત પર વધુ એક મુસીબત દરવાજાે ખખડાવી રહી છે.
વિશ્વમાં સૌ પ્રથમ ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન જાેવા મળ્યા છે જેના પરિણામે સ્થાનિક સરકાર ખુબ જ એલર્ટ થઈ ગઈ છે અને તેમણે આ અંગેની જાહેરાત કરી સમગ્ર વિશ્વને ચેતવી દીધુ છે. પરિણામ સ્વરૂપે તમામ દેશો એલર્ટ થઈ ગયા છે ઈંગ્લેન્ડમાં પરિસ્થિતિ વધુને વધુ વિપરિત બની રહી છે. કોરોનાને કાબુમાં લેવા માટે ઈંગ્લેન્ડમાં ફરી એક વખત લોકડાઉન સહિતના પગલાં ભરવામાં આવી રહયા છે. ઈંગ્લેન્ડના પાડોશી દેશોએ ઈંગ્લેન્ડ સાથેની તમામ સરહદો સીલ કરીને બેરીકેટો લગાવી દીધી છે. ઈંગ્લેન્ડમાં પણ ચિંતાજનક રીતે કેસો વધવા લાગતાં ફરી એક વખત આ બિમારી વિશ્વ વ્યાપી બને તેવી દહેશત વ્યકત કરવામાં આવી રહી છે.
ચોંકાવનારી બાબત એ છે કે ઈંગ્લેન્ડે આ અંગેની વિગતો જાહેર કરી તે પહેલા સંખ્યાબંધ નાગરિકો ઈંગ્લેન્ડ છોડી અન્ય દેશોમાં પહોંચી ગયા છે. ઈંગ્લેન્ડે આપેલી ચેતવણી બાદ ભારત સરકાર પણ સફાળી જાગી છે અને વિદેશ મંત્રાલય પાસેથી યુ.કે.થી આવેલા તમામ નાગરિકોની યાદી મંગાવવામાં આવી છે.
યુ.કે.માંથી ભારતમાં આવેલા નાગરિકોની યાદી ખુબ જ લાંબી છે કેન્દ્ર સરકારે આ યાદી જાેઈ જે તે રાજય સરકારોને યુ.કે.થી આવેલા નાગરિકોના નામ સરનામા સાથેની વિગતો મોકલી આપી આરોગ્ય મંત્રાલયને તપાસ કરવા જણાવ્યું છે. કેન્દ્રમાંથી યાદી મળતાં જ તમામ રાજય સરકારો એલર્ટ થઈ ગઈ છે અને યુ.કે.થી આવેલા નાગરિકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે અત્યાર સુધીમાં પ૦ ટકાથી વધુ નાગરિકોને શોધી કાઢવામાં આવ્યા છે અને તમામના ટેસ્ટ શરૂ કરાયા છે.
દેશવ્યાપી શરૂ કરાયેલા આ ઓપરેશનમાં યુ.કે.થી આવેલા ૧૦૪ જેટલા નાગરિકોનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે આ તમામ નાગરિકોને આઈસોલેટ કરી દેવામાં આવ્યા છે આ તમામ કોરોના દર્દીઓના વધુ ટેસ્ટ કરવામાં આવતા બેંગ્લોર, ચેન્નાઈ અને હૈદરાબાદમાંથી કુલ ૬ નાગરિકોમાં કોરોનાના નવા સ્ટ્રેન જાેવા મળતાં આખરે ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનની સત્તાવાર એન્ટ્રી થઈ ગઈ છે અને હવે તે સરકારી તંત્ર માટે ચિંતાનો વિષય બની ગયો છે.
કોરોનાના નવા સ્ટ્રેનવાળા છ દર્દીઓ કોનાકોના સંપર્કમાં આવ્યા છે તે તમામની યાદી પણ બનાવવામાં આવી છે અને સંપર્કમાં આવનાર તમામના ટેસ્ટ પણ શરૂ કરી દેવાયા છે. કેન્દ્ર સરકારે સુપ્રત કરેલી યાદી બાદની કાર્યવાહીમાં કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે. રાજસ્થાન સરકારને સુપ્રત કરેલી યાદી બાદ સ્થાનિક કક્ષાએ તમામ પ્રવાસીઓની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
પરંતુ ૩પ જેટલા નાગરિકોના કોઈ સરનામા રાજસ્થાન સરકારને મળતાં નથી જેના પરિણામે યુ.કે.થી આવેલા આ તમામ ૩પ લોકોની કોઈ જ જાણકારી રાજસ્થાન સરકારને મળી નથી જેના પરિણામે કેન્દ્ર સરકારે આ અંગે ઝડપથી અસરકારક કાર્યવાહી કરવા જણાવ્યું ચોંકાવનારી બાબત એ છે કે રાજસ્થાન સરકારે શરૂ કરેલી આ કાર્યવાહીમાં ૧૭ જેટલા યુ.કે.થી આવેલા લોકો હજુ પણ લાપત્તા બતાવવામાં આવી રહયા છે. રાજસ્થાન સરકારની આ ચોંકાવનારી માહિતીથી કેન્દ્ર સરકાર પણ ચિંતીત બની છે. હજુ પ્રથમ કોરોના કાબુમાં નથી આવ્યો ત્યારે ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેન જાેવા મળતાં આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ વિકટ બને તેવી દહેશત સેવાઈ રહી છે.