ભારતમાં કોરોનાના વધુ છ કેસો નોંધાયા
નવી દિલ્હી: દેશમાં પણ કોરોના વાયરસના કેસોની સંખ્યામાં ચિંતાજનકરીતે વધારો થઇ રહ્યો છે. આજે કેરળમાં પાંચ અને તમિળનાડુમાં એક પોઝિટિવ કેસ સપાટી ઉપર આવતા ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. આની સાથે જ દેશમાં હજુ સુધી કોરોનાથી ગ્રસ્ત પોઝિટિવ દર્દીઓની સંખ્યા ૪૦ ઉપર પહોંચી ગઈ છે. અનેક શંકાસ્પદ લોકો નજર હેઠળ છે જેમના પરિણામની રાહ જાવામાં આવી રહી છે. શનિવારે જમ્મુ કાશ્મીરમાં કોરોના વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ આવ્યો હતો. કેરળના આરોગ્યમંત્રી કેકે સેલજાએ કહ્યું છે કે, કોરોના વાયરસથી પીડિત પાંચ લોકોને આઈશોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે.
આ તમામ મામલા પથાનામથી જિલ્લામાં નોંધાયા છે. અહીં હાલમાં જ ત્રણ લોકો ઇટાલીથી પરત ફર્યા છે. તેમને કોરોનાની અસર હતી. અન્ય બે લોકો તેમના સંપર્કમાં આવવાથી કોરોનાના સકંજામાં આવી ગયા છે. ભારત સરકાર આ વાયરસને ફેલાતા રોકવા પગલા લઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. તમિળનાડુના હેલ્થ સેક્રેટરી બિલા રાજેશે કહ્યું છે કે, એક શખ્સ કોરોના પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં ૧૦૮૬ લોકોને આઈશોલેટ કરીને રાખવામાં આવ્યા છે. અમૃતસરમાં પણ બે પોઝિટિવ કેસો આવ્યા છે.
ભારતમાં સૌથી પહેલા કેરળમાં પોઝિટિવ કેસો આવ્યા હતા. આગરામાં છ દર્દી આવી ચુક્યા છે. અમૃતસરમાં બે પોઝિટિવ કેસ આવી ચુક્યા છે. વાયરસને રોકવા માટે તંત્ર દ્વારા સાવચેતીના વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. કોરોના વાયરસને કાબુમાં લેવા માટે ભારતમા પણ તપાસ જારી છે. હવે તમામ ઇન્ટરનેશનલ ફ્લાઇટ અને યાત્રીઓની સ્ક્રિનિંગ ફરજિયાત કરી દેવામાં આવી છે. હજુ સુધી માત્ર ૧૨ દેશોના નાગરિકોની સ્ક્રિનિંગ ફરજિયાત રાખવામાં આવી રહી હતી.
કોરોના વાયરસના નવા મામલા સપાટી ઉપર આવ્યા બાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા એડવાઈઝરી જારી કરીને ઇટાલી, ઇરાન, દક્ષિણ કોરિયા, જાપાનના એવા નાગરિકોને જારી નિયમિત વિઝા અથવા તો ઇ વિઝા સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ચીન અને દુનિયાના ૧૦૩ દેશોમાં ભારે આતંક મચાવી રહેલા કોરોના વાયરસનો ખતરો હવે ભારતમાં વધી ગયો છે. બુધવારના દિવસે એક દિવસમાં ૨૩ કેસો સપાટી પર આવ્યા બાદ ગુરુવારના દિવસે ગાઝિયાબાદમાં એક દર્દી પોઝિટીવ આવતા ભારતમા ંકુલ કેસોની સંખ્યા વધીને ૩૦ ઉપર પહોંચી ગઇ હતી.