ભારતમાં કોરોનાની વેક્સીન આવશે , રશિયન કંપની સાથે ભારતની Dr Reddy’sનો કરાર
નવી દિલ્હી : રશિયાની કોરોના વેક્સીનને ભારતમાં વેચવા માટે ભારતની મોટી ફાર્મા કંપની ડૉ. રેડ્ડીજ સાથે કરાર થઈ ગયો છે. ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે રશિયાની સોવરેન વેલ્થ ફંડ આરડીઆઈએફ ભારતની ડૉ. રેડ્ડીજને 10 કરોડ ડોઝ આપશે. આ માટે ભારત તરફથી બધી રેગ્યુલેટરી મંજૂરી મળી ગઈ છે. તમને જણાવી દઈએ કે આ સમાચારથી Dr Reddysના શેરમાં જોરદાર તેજી આવી છે. બુધવારે કંપનીનો શેર 4.36 ટકાના વધારા સાથે 4637 રૂપિયાના ભાવે બંધ થયો છે.
રશિયાએ આ વેક્સીનનું નામ ‘સ્પૂતનિક વી’આપ્યું છે. રશિયાની ભાષામાં ‘સ્પૂતનિક’શબ્દનો અર્થ થાય છે સેટેલાઇટ. રશિયાએ વિશ્વનો પ્રથમ સેટેલાઇટ બનાવ્યો હતો. તેનું નામ પણ સ્પૂતનિક જ રાખ્યું હતું. જેથી આ નવી વેક્સીનના નામને લઈને એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે રશિયા ફરી એકવાર અમેરિકાને બતાવવા માંગે છે કે વેક્સીનની રેસમાં તેણે અમેરિકાને માત આપી છે. જેવી રીતે વર્ષો પહેલા અંતરિક્ષની રેસમાં સોવિયત સંઘે અમેરિકાને પછાડ્યું હતું.
રશિયા 11 ઓગસ્ટે કોવિડ-19ની વેક્સીનને મંજૂરી આપનાર દુનિયાનો પ્રથમ દેશ બની ગયો હતો. આ વેક્સીન આગામી વર્ષે 1 જાન્યુઆરીથી સામાન્ય લોકો માટે ઉપલબ્ધ રહેશે. રશિયાના ગેમેલિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને રક્ષા મંત્રાલય દ્વારા સંયુક્ત રૂપથી વિકસિત કોરોના વેક્સીન સૌથી પહેલા કોરોના સંક્રમિતોની સારવારમાં લાગેલા સ્વાસ્થ્ય કર્મીઓને આપવામાં આવી છે.