ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૫૯૫૧ નવા કેસ નોંધાયા
નવી દિલ્હી: દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર ઓછો થયા બાદ કોવિડ દર્દીઓના રિકવરી રેટમાં પણ સતત સુધારો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ ભારતનો કોવિડ રિકવરી રેટ હવે ૯૬.૯૨ ટકા થઈ ગયો છે. આ ઉપરાંત રોજેરોજ નોંધાતા કોરોના કેસો પણ ૫૦ હજારથી નીચે રહે છે. કોરોનાના કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા પણ ૯૦૦થી નીચે પહોંચી છે.
બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૪૫,૯૫૧ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૮૧૭ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૦૩,૬૨,૮૪૮ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૩૩,૨૮,૫૪,૫૨૭ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. નોંધનીય છે કે, કોવિડ-૧૯ મહામારી સામે લડીને ૨ કરોડ ૯૪ લાખ ૨૭ હજાર ૩૩૦ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૬૦,૭૨૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
હાલમાં ૫,૩૭,૦૬૪ એક્ટિવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૩,૯૮,૪૫૪ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે. કોરોના ટેસ્ટિંગની વાત કરીએ તો, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૯ જૂન, ૨૦૨૧ સુધીમાં ભારતમાં કુલ ૪૧,૦૧,૦૦,૦૪૪ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. મંગળવારના ૨૪ કલાકમાં ૧૯,૬૦,૭૫૭ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. બીજી તરફ, ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૯૩ કેસ નોંધાયા છે. જેની સામે ૩૨૬ દર્દીઓ સાજા થયા છે.
છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે ૨ દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૫૬ થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૩૧ ટકા છે. અત્યાર સુધીમાં ૨,૫૩,૯૩,૮૬૬ ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવી છે. મંગળવારે રાજ્યના ૨૧ જિલ્લામાં રેકોર્ડબ્રેક કોરોનાના ૦ કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં ૨૦ કેસ નોંધાયા છે જ્યારે એક મૃત્યુ થયું છે. આ ઉપરાંત સુરત શહેરમાં ૧૮ કેસ નોંધાયા છે જ્યારે વડોદરામાં ૮ અને રાજકોટ શહેરમાં ૭ નવા કેસ નોંધાયા છે. આજે રાજ્યમાં સૌથી વધુ સુરતમાં ૩૫૯૧૭ વ્યક્તિઓને રસી અપાઈ છે.